ગયા વર્ષે ૨૦૨૪ના જૂન મહિનામાં તે માત્ર ૮ દિવસ માટે સ્પેસ સ્ટેશન ગઈ હતી, પણ તેને ધરતી પર પાછા લાવનારા યાનમાં ખરાબી આવતાં છેલ્લા ૮ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં જ છે.
સુનીતા વિલિયમ્સ
મહિલા અંતરિક્ષયાત્રી દ્વારા કરવામાં આવેલા લૉન્ગેસ્ટ સ્પેસ-વૉકનો નવો રેકૉર્ડ ભારતીય મૂળની ઍસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સે કુલ ૬૨ કલાક ૬ મિનિટનો સ્પેસ-વૉક કરીને પોતાના નામે કર્યો છે. ભૂતપૂર્વ મહિલા અંતરિક્ષયાત્રી પેગી વ્હિટસને ૬૦ કલાક ૨૧ મિનિટનો ૨૦૧૭માં કરેલો રેકૉર્ડ તોડીને સુનીતાએ નવો રેકૉર્ડ કર્યો છે. આ સાથે સુનીતા સૌથી વધારે સ્પેસ-વૉક કરનાર મહિલા બની છે.
અમેરિકાની નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન એટલે કે NASAએ જણાવ્યું છે કે અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મરે ગુરુવારે સાંજે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની બહાર પાંચ કલાક ૨૬ મિનિટનો સ્પેસ-વૉક કરીને આ નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સુનીતાનો નવમો અને વિલ્મરનો આ પાંચમો સ્પેસ-વૉક હતો. ISSની બહાર નીકળીને કરેલા સ્પેસ-વૉક દરમ્યાન તેમણે ISSના બહારના ભાગને સાફ કર્યો હતો અને સૂક્ષ્મ જીવના પ્રયોગ માટે નમૂના એકઠા કર્યા અને એક તૂટેલા ઍન્ટેનાને કાઢી નાખ્યું હતું
ADVERTISEMENT
૧૫ દિવસમાં સુનીતાનો આ બીજો સ્પેસ-વૉક હતો. ૧૬ જાન્યુઆરીએ તેણે ૬ કલાક ૩૦ મિનિટનો સ્પેસ-વૉક કર્યો હતો. ગયા વર્ષે ૨૦૨૪ના જૂન મહિનામાં તે માત્ર ૮ દિવસ માટે સ્પેસ સ્ટેશન ગઈ હતી, પણ તેને ધરતી પર પાછા લાવનારા યાનમાં ખરાબી આવતાં છેલ્લા ૮ મહિનાથી સ્પેસ સ્ટેશનમાં જ છે.

