ઑસ્ટ્રેલિયાના આ છોડનું નામ છે જિમ્પી-જિમ્પી. આ છોડને રુવાંટીદાર પાન છે અને એ રુવાંટીમાં જ એનું કાતિલ ઝેર હોય છે
જિમ્પી-જિમ્પી.
કુદરતી રીતે ઊગેલી તમામ વનસ્પતિ કંઈ ગુણકારી જ હોય એવું જરૂરી નથી. કેટલીક વનસ્પતિઓ અતિ ઝેરી હોય છે. આવી પૉઇઝન ધરાવતી વનસ્પતિઓનો સંગ્રહ થયો છે ઇંગ્લૅન્ડના નૉર્થમ્બરલૅન્ડમાં આવેલા એલનવિક ગાર્ડનમાં. એને પૉઇઝન ગાર્ડનનું ઉપનામ મળ્યું છે. આ ગાર્ડનમાં વધુ એક સુસાઇડ પ્લાન્ટને સ્થાન મળ્યું છે. ઑસ્ટ્રેલિયાના આ છોડનું નામ છે જિમ્પી-જિમ્પી. આ છોડને રુવાંટીદાર પાન છે અને એ રુવાંટીમાં જ એનું કાતિલ ઝેર હોય છે અને જો કોઈ માણસ આ રુવાંટીને અડે તો એ રુવાંટીમાં રહેલું ઝેર શરીરમાં પ્રસરી જાય છે અને આગમાં સળગતા હોઈએ અને વીજળીનો કરન્ટ લાગ્યો હોય એવી પારાવાર પીડા એકસાથે થવા માંડે છે. આ પીડા દિવસો સુધી કે મહિનાઓ સુધી રહે છે અને એમાંથી રાહત મેળવવાનું કઠિન છે. આ પ્રકારના છોડ ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાનાં વરસાદી જંગલોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. પૉઇઝન ગાર્ડનમાં આ છોડ કાચના ખાસ પીંજરામાં રાખવામાં આવ્યો છે અને એની દેખરેખ માટે ખાસ માણસોની નિમણૂક કરવામાં આવી છે. આ ગાર્ડનમાં આશરે ૧૦૦ જેટલાં ઝેરી વૃક્ષો છે. અન્ય ઝેરી છોડની જેમ એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. જોકે તમામ ઝેરી વૃક્ષો કાતિલ જ હોય એવું નથી. યુ ટ્રી નામના ઝેરી વૃક્ષના ઝેરથી માણસનું ૨૦ મિનિટમાં મૃત્યુ થઈ શકે છે. જોકે એ જ ઝેરમાંથી બ્રેસ્ટ કૅન્સર જેવા અસાધ્ય રોગની દવા પણ બને છે.


