કાનપુરના જાજમઉમાં કોરોનાકાળથી બંધ પડેલા મદરેસામાંથી એક બાળકનું હાડપિંજર મળી આવ્યું છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કાનપુરના જાજમઉમાં કોરોનાકાળથી બંધ પડેલા મદરેસામાંથી એક બાળકનું હાડપિંજર મળી આવ્યું છે. મદરેસાના સંચાલક પરવેઝ ૨૦૧૫માં મૃત્યુ પામ્યા હતા. તેમના પુત્ર હમ્ઝાએ કહ્યું કે તેનો મામાનો દીકરો અનસ મદરેસા પાસેથી નીકળ્યો ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું એટલે તે આજુબાજુના લોકોને લઈને મકાનમાં ગયો ત્યારે ત્યાં એક રૂમમાંથી બાળકનું હાડપિંજર મળ્યું હતું. એ પછી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે હાડપિંજરને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યું છે. સાથોસાથ ઓળખ માટે DNA સૅમ્પલ પણ લીધાં છે. બે માળના મકાનમાં એક ક્લાસરૂમ છે. એમાં બ્લૅક-બોર્ડ પર ૨૦-૦૫-૨૦૨૨ તારીખ લખેલી છે.જોકે પરવેઝના પરિવારનું કહેવું છે કે કોરોનાકાળથી જ મદરેસા બંધ છે. મદરેસા નજીક રહેતા વિજય સિંહે કહ્યું હતું કે સામે જંગલ હોવાથી ઘણી વાર લોકો મરેલાં પશુઓ ફેંકી જતા હોય છે એટલે ઘરમાં દુર્ગંધ આવતી રહે છે એથી કોઈને પણ મદરેસામાં મૃતદેહ હોવાની દુર્ગંધ વર્તાઈ જ નહોતી.