૨૦૨૨ની ૩૦ ઑગસ્ટે કૅલિફૉર્નિયામાં ક્રેગ ઓબ્રાયન નામનો સ્કાય-ડાઇવર પણ તેની સાથે હતો,

જાણીતી સ્કેટબોર્ડર લેટિસિયા બુફોની
જાણીતી સ્કેટબોર્ડર લેટિસિયા બુફોનીને નવા-નવા રેકૉર્ડ બનાવવાનું ગમે છે. તાજેતરમાં તેણે એક ખતરનાક સ્ટન્ટ કર્યો હતો. ૨૯ વર્ષની સાઓ પાઉલોની રહેવાસી તેમ જ હાલમાં સધર્ન કૅલિફૉર્નિયામાં રહેતી સ્કેટબોર્ડરે ૯૦૨૨ ફુટની ઊંચાઈએ ઊડતા પ્લેનના પાછળના ભાગમાં સ્કેટબોર્ડ ગ્રાઇન્ડ કર્યું હતું, જે એક રેકૉર્ડ છે. ઊડતા વિમાનમાં સૌથી વધુ ઊંચાઈ પર આ સ્કેટબોર્ડ ગ્રાઇન્ડનો રેકૉર્ડ છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ ફિલ્મમાં જે વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જ સી૧૩૦ હર્ક્યુલસ વિમાનમાં ૯.૧ કિલોનું પૅરૅશૂટ અને સ્કેટબોર્ડ સાથે તે વિમાનમાં સવાર હતી. ૨૦૨૨ની ૩૦ ઑગસ્ટે કૅલિફૉર્નિયામાં ક્રેગ ઓબ્રાયન નામનો સ્કાય-ડાઇવર પણ તેની સાથે હતો, જેણે ‘મિશન ઇમ્પૉસિબલ’ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ સાથે ભૂસકો માર્યો હતો. લેટિસિયા સ્કેટબોર્ડ સ્ટ્રીટની એક્સ-ગેમ્સમાં મહિલા વિભાગમાં પાંચ ગોલ્ડ મેડલ જીતી હતી, તો એક્સ-ગેમ્સ સમર ડિસિપ્લિનમાં કુલ ૧૨ મેડલ જીતી હતી. સ્કેટબોરર્ડિંગની હાલ તે સૌથી પ્રભાવશાળી મહિલા છે. નાની હતી ત્યારે સાઓ પાઉલોના રસ્તા પર તે આ રમત રમતી હતી. સૌથી પહેલાં ૧૪ વર્ષની ઉંમરે તેણે કૅલિફૉર્નિયામાં એક્સ-ગેમ્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો, બસ ત્યારથી આ રમત તેના જીવનનો ભાગ બની ગઈ છે. રેકૉર્ડ બનાવવા માટે તે રેડ બુલ બ્રાઝિલ સાથે આકરી શારીરિક અને માનસિક તાલીમ લેતી હતી. પ્લેનની અંદર સ્કેટબોર્ડ અને હવામાં રહેનાર તે પ્રથમ વ્યક્તિ હતી. અગાઉ તેણે ક્યારેય વિમાનમાં સ્કેટબોર્ડ કર્યું નહોતું.