ઉત્તર પ્રદેશના હાપુડમાં સોમવારે એક એવી ઘટના ઘટી કે નૅશનલ હાઇવે પર સફર કરતા લોકોને ચાંદી જ ચાંદી થઈ ગઈ. વાત એમ હતી કે હાપુડ-બુલંદશહર વચ્ચેના હાઇવે પર ચાંદી જેવી ધાતુનાં ઘરેણાંના ઝીણા ટુકડા વિખેરાયેલા જોવા મળ્યા હતા.
નૅશનલ હાઇવે પર થયો ચાંદીનો વરસાદ, લોકો માંડ્યા લૂંટવા
ઉત્તર પ્રદેશના હાપુડમાં સોમવારે એક એવી ઘટના ઘટી કે નૅશનલ હાઇવે પર સફર કરતા લોકોને ચાંદી જ ચાંદી થઈ ગઈ. વાત એમ હતી કે હાપુડ-બુલંદશહર વચ્ચેના હાઇવે પર ચાંદી જેવી ધાતુનાં ઘરેણાંના ઝીણા ટુકડા વિખેરાયેલા જોવા મળ્યા હતા. લોકોને જેવી ખબર પડી કે આ ચળકતા ધાતુના ટુકડા ચાંદીના હોઈ શકે છે એટલે વાહનો બાજુમાં પાર્ક કરીને આ ટુકડા વીણવા લાગી પડ્યા. આને કારણે હાઇવે પર લાંબો જૅમ લાગી ગયો હતો. કદાચ કોઈ વાહનમાં જૂનાં ઘરેણાંના ટુકડાને ગાળવા માટે લઈ જવાઈ રહ્યા હશે. કદાચ એ વાહનમાંથી ટુકડા ખરી રહ્યા છે એની વાહનચાલકને પણ ખબર નહીં હોય. જોકે એક જગ્યાએ થોડોક ટ્રાફિક જમા થયો હતો ત્યારે બાઇકરોને આ ચળકતા ટુકડા દેખાયા હતા અને બે-ચાર જણને એ વીણતા જોઈને અનેક લોકો રોડ પર ચાંદીના ટુકડા વીણવામાં લાગી ગયા હતા. વાત એટલી વણસી કે ટ્રાફિક જૅમને કારણે પોલીસને બોલાવવી પડી. પોલીસ હવે એ વાહનની તલાશમાં છે જેમાંથી આ ધાતુના ટુકડા વેરાયા હતા. કદાચ એ વાહન ચાંદીનાં જૂનાં ઘરેણાંના કચરાને લઈને ક્યાંક જઈ રહ્યું હશે અને રસ્તામાં બોરીઓ છૂટી જતાં ચાંદીનાં ઘરેણાંના ટુકડા વિખેરાયા હશે. પોલીસ હવે હાઇવે પર લગાવેલા કૅમેરાનું ફુટેજ તપાસી રહી છે.


