નિશ્ચિત કરેલા સ્થાને સાદિયત બીચ ક્લબ દ્વારા વિશાળ ઇન્સ્ટૉલેશનમાં સંદેશાઓ સાથે ૧૧૦૦ બૉટલ એકત્રિત કરવામાં આવી હતી
બૉટલમાં સંદેશાઓના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો
અબુ ધાબીના સાદિયત ટાપુએ બૉટલમાં સંદેશાઓના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. નિશ્ચિત કરેલા સ્થાને સાદિયત બીચ ક્લબ દ્વારા વિશાળ ઇન્સ્ટૉલેશનમાં સંદેશાઓ સાથે ૧૧૦૦ બૉટલ એકત્રિત કરવામાં આવી હતી. સાદિયત ટાપુએ મહેમાનોને ટૂંકી નોંધ લખીને આ રેકૉર્ડમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમને આ ગંતવ્ય સ્થાન વિશે સૌથી વધુ શું ગમે છે અથવા તેમને માટે પ્રેમનો અર્થ શું છે એની વિગતો એમાં દર્શાવવાની હતી. ત્યાર બાદ દરેક કાચની બૉટલમાં નોંધ મૂકવામાં આવી હતી અને બીચ ક્લબમાં લઈ જવાઈ હતી. એક સ્થાનિક સૅન્ડ-આર્ટિસ્ટે સર્જનાત્મક રીતે બૉટલોને ‘આઇ લવ સાદિયત આઇલૅન્ડ’ના આકારમાં એક મોટા ઇન્સ્ટૉલેશનમાં મૂકી હતી. સસ્ટેનેબિલિટીનું વર્ષ ઊજવતા આ પ્રયાસમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ કાચ, રીસાઇકલ કરી શકાય એવા કાગળ અને જ્યુટ થ્રેડ સહિત ટકાઉ સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી. મિરલ ખાતે ગ્રુપ કમ્યુનિકેશન્સ અને ડેસ્ટિનેશન માર્કેટિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તાગરીદ અલ સઈદે કહ્યું કે અમે લોકોને એકસાથે લાવવા, સમુદાયની ભાવના બનાવવા અને હૃદયપૂર્વકનાં જોડાણ બનાવવાના જુસ્સાથી પ્રેરિત છીએ. મિરલ ડેસ્ટિનેશન્સના સીઈઓ લિયામ ફિન્ડલેએ ઉમેર્યું કે અમે મહેમાનો અને પરિવારને આ પ્રયાસ દરમ્યાન અમારી સાથે જોડાયેલા જોઈને આનંદ અનુભવીએ છીએ અને આ સિદ્ધિમાં યોગદાન આપનારા અમારા તમામ મહેમાનોની પ્રશંસા કરીએ છીએ.

