જિમ્નૅસ્ટ ભાઈએ હૉટ ઍર બલૂનની નીચે એક પ્લૅટફૉર્મ જોડીને એના પર હવામાં ૧૫૦૦ મીટર ઊંચે જિમ્નૅસ્ટિક્સના દાવ ખેલી બતાવ્યા હતા
હૉટ ઍર બલૂન સાથે લટકતા પ્લૅટફૉર્મ પર જિમ્નૅસ્ટિક્સના ખેલ કર્યા
રશિયાના સેરેગેઇ બોરોત્સોવ નામના ૩૦ વર્ષના જિમ્નૅસ્ટ અને બૉડીબિલ્ડરે કોઈ જ સેફ્ટી વિના એવું કારનામું કરી બતાવ્યું છે જે જોઈને દુનિયાભરના લોકો દંગ રહી ગયા છે. જિમ્નૅસ્ટ ભાઈએ હૉટ ઍર બલૂનની નીચે એક પ્લૅટફૉર્મ જોડીને એના પર હવામાં ૧૫૦૦ મીટર ઊંચે જિમ્નૅસ્ટિક્સના દાવ ખેલી બતાવ્યા હતા. હજીયે વધુ ડરામણી વાત એ હતી કે તેણે કોઈ સેફ્ટી ગિયર પહેર્યું નહોતું એટલું જ નહીં, જો હાથ છટકે અને તે હવામાં નીચે ફંગોળાય તો સેફ લૅન્ડિંગ કરી શકાય એ માટે તેણે પૅરૅશૂટ પણ નહોતું પહેર્યું. પહેલી વાર કોઈ વીરલાએ આવું પરાક્રમ કર્યું છે.
આ સ્ટન્ટ જોઈને ભલભલા લોકો મોંમાં આંગળાં નાખી ગયા છે. એકે લખ્યું હતું કે આ તો ડાયરેક્ટ મોતને આમંત્રણ આપવા બરાબર છે તો કોઈકે પબ્લિસિટી માટે આવા અખતરા કરવા માટે ટીકા કરી હતી, જ્યારે જિમ્નૅસ્ટિક્સ અને સ્ટન્ટને પૅશન માનનારા કેટલાક લોકોએ આ સ્ટન્ટને ખૂબ ટેક્નિકલી સાઉન્ડ ગણાવ્યો હતો.


