આસામમાં ૧૧ મહિનાની એક બાળકીના પેટમાં અજીબોગરીબ ચીજ આકાર લઈ રહી હતી. જન્મી ત્યારે તો વાંધો નહોતો આવ્યો, પણ એ પછી બાળકી સતત રડતી જ રહેતી હતી અને તેને પેટમાં સતત દુખાવો થતો હોય એવું લાગતું હતું.
પ્રતીકાત્મક તસવીર
આસામમાં ૧૧ મહિનાની એક બાળકીના પેટમાં અજીબોગરીબ ચીજ આકાર લઈ રહી હતી. જન્મી ત્યારે તો વાંધો નહોતો આવ્યો, પણ એ પછી બાળકી સતત રડતી જ રહેતી હતી અને તેને પેટમાં સતત દુખાવો થતો હોય એવું લાગતું હતું. ડૉક્ટરોએ પ્રાથમિક તપાસ કરી તો લાગ્યું કે કદાચ તેના પેટમાં ગાંઠ કે પછી કોઈ અવાંછિત ટિશ્યુઝ આકાર લઈ રહ્યા હોય એવું બની શકે છે. ડૉક્ટરોએ એક્સ-રે અને અન્ય પરીક્ષણ કર્યાં તો એનું રિઝલ્ટ જોઈને અચરજમાં પડી ગયા. તેના પેટમાં ખાસ પ્રકારનો ટિશ્યુ ઊગી રહ્યો હતો જે મગજના ટિશ્યુ સાથે મળતો આવતો હતો. ખૂબ અભ્યાસ પછી ડૉક્ટરોએ આ બાળકીને ન્યુરોગ્લિયનલ હેટેરોટોપિયા નામની દુર્લભ બીમારી હોવાનું નિદાન કર્યું હતું. આ બીમારીમાં મગજમાં જે ટિશ્યુ હોય છે એવા જ પ્રકારના ટિશ્યુ શરીરના અન્ય ભાગમાં વિકસવા માંડે છે. ખાસ કરીને કરોડરજ્જુની પાછળના ભાગમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવો ગ્રોથ થાય છે. આ મગજના ટિશ્યુ મોટા ભાગે પેટના પોલાણના ભાગમાં વિકસે છે. ડૉક્ટરોનું કહેવું છે કે જ્યારે બાળકનો ગર્ભમાં વિકાસ થઈ રહ્યો હોય ત્યારે મગજના કેટલાક કોષો મલ્ટિપ્લાય થઈને અલગ નથી થઈ શકતા અને કરોડના ભાગમાં સંઘરાઈ રહે છે. બાળક પેટમાંથી બહાર આવે એ પછી આ સંઘરાયેલા કોષો મલ્ટિપ્લાય થઈને મગજ જેવો આકાર લેવા માંડે છે. જોકે એ મગજની જેમ કાર્યરત નથી હોતા. ડૉક્ટરોએ ઑપરેશન કરીને આ બ્રેઇનને કાઢી નાખ્યું હતું. એનું વજન લગભગ ૫૫૦ ગ્રામ જેટલું હતું. આ કિસ્સો એટલો રૅર છે કે અત્યાર સુધીમાં વિશ્વભરની મેડિકલ જર્નલમાં આવા માત્ર ૬ જ કેસ નોંધાયા છે.


