ઇન્ડિયન મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ ગ્લોબલ ક્વૉલિટીના સ્ટાન્ડર્ડને પૂર્ણ કરવામાં નિષ્ફળ ન જાય એ સુનિશ્ચિત કરવાના પ્રયાસમાં ભારતીય સત્તાવાળાઓ ફાર્મા સેક્ટર પર સતત નજર રાખી રહ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓ ગ્લોબલ ક્વૉલિટીના સ્ટાન્ડર્ડને પૂર્ણ કરવામાં નિષ્ફળ ન જાય એ સુનિશ્ચિત કરવાના પ્રયાસમાં ભારતીય સત્તાવાળાઓ ફાર્મા સેક્ટર પર સતત નજર રાખી રહ્યા છે. ભૂતકાળમાં ઘણી કંપનીઓએ સ્ટાન્ડર્ડ ક્વૉલિટીની પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું નહોતું અને પરિણામે આ કંપનીઓ પર પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરવા પર બૅન મૂકવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં ૫૪ કંપનીઓનાં કફ સિરપને સ્ટાન્ડર્ડ ક્વૉલિટીનાં ન હોવાનું જણાવ્યું હતું. સીડીએસસીઓ એ કૉસ્મેટિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ માટેની દેશની નૅશનલ રેગ્યુલેટરી બૉડી છે.
ભારતીય કંપનીઓનાં કફ સિરપનું સેવન કર્યા પછી વૈશ્વિક સ્તરે અનેક મૃત્યુ નોંધાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ મૃત્યુ પછી ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ નિકાસકારો માટે કફ સિરપની ક્વૉલિટી વિશે સરકારની મંજૂરી લેવી ફરજિયાત બનાવી દીધી હતી. એક્સપોર્ટની પરમિશન માટે કફ સિરપની તમામ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સીડીએસસીઓના રિપોર્ટ મુજબ ઑક્ટોબર ૨૦૨૩ સુધી કુલ ૨૦૧૪ ટેસ્ટ રિપોર્ટમાંથી ૫૪ કંપનીઓ દ્વારા ઉત્પાદિત ૧૨૮ સૅમ્પલ્સ સ્ટાન્ડર્ડ ક્વૉલિટીનાં ન હોવાથી એક્સપોર્ટ માટે ફેલ થયાં છે. આ ડેટા મુખ્યત્વે ગુજરાત, મુંબઈ, ચંડીગઢ, ગાઝિયાબાદ વગેરેના ગવર્નમેન્ટ ટેસ્ટિંગ લૅબ્સના ટેસ્ટ રિપોર્ટમાંથી લેવામાં આવ્યા છે.

