ભક્તાએ આ પ્રોજેક્ટ માટે તૈયાર કરેલી મૉનિટરિંગ સિસ્ટમમાં ફોટો સ્કૅન કરીને ઓળખી શકે એવા AI-બેઝ્ડ કૅમેરા
ભક્તા પ્રસાદ મોહંતીએ ‘ટેક ફૉર ટેઇલ્સ’ પ્રોજેક્ટ બનાવ્યો.
ઓડિશાનો ગંજમ જિલ્લો કાળિયાર હરણ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. આ જ જિલ્લાનો દસમા ધોરણનો એક છોકરો હમણાં સમાચારમાં ચમક્યો છે. આ જિલ્લાના વનવિસ્તારોમાં દર વર્ષે વાહન સાથેના અકસ્માતોને કારણે ઍવરેજ છથી ૭ કાળિયાર મૃત્યુ પામે છે. આ પરિસ્થિતિથી દુઃખી ભક્તા પ્રસાદ મોહંતી નામના છોકરાએ આ સમસ્યાને ઉકેલવાનું નક્કી કર્યું. આસ્કા ટેક્નૉલૉજિકલ હાઈ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા ભક્તા પ્રસાદ મોહંતીએ ‘ટેક ફૉર ટેઇલ્સ’ પ્રોજેક્ટ બનાવ્યો. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), કોડિંગ અને ઇલેક્ટ્રૉનિક આઇટમોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલું આ મૉડલ ઍક્સિડન્ટમાં મરતાં હરણો માટે જીવ બચાવનારું સાધન સાબિત થાય એમ છે. આ મૉડલને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે રસ્તાઓ નજીક જ્યારે પણ કાળિયાર કે અન્ય વન્યજીવ જોવા મળે ત્યારે LED બોર્ડ દ્વારા એ ડ્રાઇવરોને રિયલ ટાઇમ અલર્ટ મોકલી દે છે, જેને કારણે ડ્રાઇવર અગાઉથી જ સતેજ થઈ જાય કે જંગલ વચ્ચેના રસ્તામાં કઈ તરફ પશુપ્રાણીઓ ફરી રહ્યાં છે.
ભક્તાએ આ પ્રોજેક્ટ માટે તૈયાર કરેલી મૉનિટરિંગ સિસ્ટમમાં ફોટો સ્કૅન કરીને ઓળખી શકે એવા AI-બેઝ્ડ કૅમેરા, LCD ડિસ્પ્લે અને સિગ્નલ લાઇટનો ઉપયોગ કર્યો છે. જેટલા પણ ઝોન્સમાં કાળિયાર સહિતનાં પશુપ્રાણીઓની આવ-જા વધારે છે એવા ઝોન્સમાં આવાં મોનિટર્સ તૈયાર કરીને લગાડવાની અપીલ પશુપ્રેમીઓએ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરી છે.


