જોકે કેટલાક ડાહ્યા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે રેડ બુલનો બારકોડ બદલાઈ જશે તો આ ટૅટૂ નકામું થઈ જશે એનું શું?
એનર્જી ડ્રિન્કનો એટલો શોખ કે એના બારકોડનું ટૅટૂ બનાવી લીધું
સ્વિટ્ઝરલૅન્ડની એક મહિલાને રેડ બુલ એનર્જી ડ્રિન્ક એટલું પસંદ છે કે એનો બારકોડ તેણે પોતાના શરીર પર છૂંદાવી દીધો છે. ડ્યુ નામની મહિલા લાંબા સમયથી પોતાના શરીર પર કોઈક ટૅટૂ બનાવડાવવાનું વિચારતી હતી. પહેલાં તેણે બ્રૉકલી કે એવા કોઈ શાકનું ટૅટૂ બનાવવાનું વિચારેલું, પણ પછી ખૂબ વિચારના અંતે તેણે પસંદગી રેડ બુલ પર ઉતારી. તેને થયું કે એનર્જી આપતું રેડ બુલ માટેનો બારકોડ તે બનાવી લે તો જ્યારે પણ એ ખરીદવું હોય ત્યારે વાંધો ન આવે. આ બારકોડના ટૅટૂમાં તેણે વચ્ચે એક કીડો કપાઈને જતો હોય એવું ચિત્રણ કરાવ્યું છે.
સામાન્ય રીતે આવાં ટૅટૂ શોભા માટેનાં જ હોય છે, એ હકીકતમાં સેલ્ફ-ચેકઆઉટ મશીન પર કામ નથી કરતાં હોતાં એટલે ટૅટૂ-આર્ટિસ્ટે પણ બનાવતાં પહેલાં જ કહેલું કે ભલે તું આ ટૅટૂ માટે ૫૧,૦૦૦ રૂપિયા ખર્ચતી હોય, પણ એ સ્કૅન થઈને વર્ક કરે એવી સંભાવનાની ગૅરન્ટી નથી. જોકે ડ્યુબહેને આગ્રહ રાખ્યો કે ભલે એ સ્કૅન ન થાય, પણ એ અદ્દલ રેડ બુલના સેલ્ફ ચેકઆઉટ બારકોડ જેવો જ હોવો જોઈએ. ટૅટૂ-આર્ટિસ્ટે દિલથી કામ કર્યું અને ડ્યુબહેન જ્યારે સેલ્ફ-ચેકઆઉટ મશીન પર જઈને સ્કૅન કરવા ગયા ત્યારે આશ્ચર્યજનક રીતે એ ટૅટૂ સ્કૅન થઈ પણ ગયું. એ સ્કૅનર વાંચીને સ્ક્રીન પર ૨૫૦ મિલિલીટરની રેડ બુલની કિંમત દેખાઈ. સ્કૅનરનું બીપ સાંભળીને ડ્યુ એટલી ખુશીથી ઊછળી પડી કે ન પૂછો વાત. રેડ બુલ ડ્રિન્કનો સેલ્ફ-ચેકઆઉટ સ્કૅન થયો એ ઘટનાનો વિડિયો તેણે સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. લોકોને ડ્યુનું ગાંડપણ ગમી ગયું છે. જોકે કેટલાક ડાહ્યા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે રેડ બુલનો બારકોડ બદલાઈ જશે તો આ ટૅટૂ નકામું થઈ જશે એનું શું?


