સ્થાનિક અંકારા ફૅબ્રિકની વિવિધ ડિઝાઇનો ધરાવતાં કપડાંનો ઢગલો તેમના ઘરમાં પડ્યો હોય છે
પોર્ટ્રેટ્સ
નાઇજીરિયાના વિઝ્યુઅલ આર્ટિસ્ટ જેનું અસલી નામ એકેઝોના ઓગુડુ છે તે ફૅબ્રિકની મદદથી પેઇન્ટિંગ તૈયાર કરે છે. સ્થાનિક અંકારા ફૅબ્રિકની વિવિધ ડિઝાઇનો ધરાવતાં કપડાંનો ઢગલો તેમના ઘરમાં પડ્યો હોય છે અને એ કપડાંના નાના-મોટા કટકાને અલગ-અલગ શેપમાં કાપી અને ચિપકાવીને એમાંથી અનોખાં પોર્ટ્રેટ્સ તૈયાર કરે છે. નવાઈની વાત એ છે કે કપડાંના વેસ્ટમાંથી જ તેઓ લોકોના ચહેરા બનાવે છે અને આ ચહેરા પર હાવભાવ પણ નોંધી શકાય એટલા સ્પષ્ટ હોય છે. ઇન્સ્ટાગ્રામ પર જોના સ્ટ્રિંગ્સ તરીકે જાણીતા આ કલાકારની મૉડર્ન ટચવાળી ટ્રેડિશનલ આર્ટ શાનદાર છે. એકેઝોના પોતાના આર્ટવર્કને સોશ્યલ મીડિયા પર રજૂ કરીને ઑનલાઇન જ વેચે છે. જે દેશમાં ખાવાના પણ સાંસા છે એવું કહેવાતું હોય ત્યાં આર્ટ માટે પૅશન ટકાવી રાખીને અને એમાંથી અદ્ભુત કહી શકાય એવાં કળાત્મક પોર્ટ્રેટ્સ તૈયાર કરવાની કળા તેણે જાતે જ કેળવી છે. તેના કલાત્મક નમૂનાઓમાં આફ્રિકાની સાંસ્કૃતિક ધરોહર સમાન અંકારા આર્ટને કન્ટેમ્પરરી આર્ટ સાથે મિક્સ કરવામાં આવ્યા હોવાથી તે મૉડર્ન કલાજગતમાં ધૂમ મચાવી રહ્યો છે.


