શરૂઆતમાં આવી નોટ શોધવામાં તકલીફ પડી એટલે હરીશભાઈને વધુ પાનો ચડ્યો. તેમણે ચલણી નોટોના કલેક્ટર્સ પાસેથી આવી નોટો ખરીદવાનું શરૂ કર્યું
હરીશ દુબે
ઇસ્લામમાં ૭૮૬ નંબર બહુ લકી ગણાય છે. જોકે આ ભાગ્યશાળી અંકની બોલબાલા માત્ર મુસ્લિમોમાં જ છે એવું નથી. આ નંબર માટે મધ્ય પ્રદેશના સાગર શહેરમાં રહેતા હરીશ દુબે નામના ભાઈને પણ જબરું ઘેલું છે. પોલીસ-ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા હરીશ દુબેને દસેક વર્ષ પહેલાં દોસ્તો સાથેની વાતચીતમાં ખબર પડેલી કે ૭૮૬ નંબર એવો છે જે તમને કોઈ પણ ચલણી નોટ પર લખેલો મળે તો એ બહુ સારું કહેવાય. આ નંબરની નોટ પ્રિન્ટ થઈને આવે ત્યારે ઓરિજિનલ સિરીઝમાંથી બૅન્કવાળા જ એને કાઢી લેતા હોય છે અને અલગ ભાવે વેચે છે. આવું જાણ્યા પછી હરીશભાઈએ તેમને મળતી દરેક નોટની પાછળનો નંબર ચેક કરવાનું શરૂ કર્યું અને જ્યાં પણ છેલ્લા અંકો ૭૮૬ જોવા મળે એ નોટ ખરીદી લે. શરૂઆતમાં આવી નોટ શોધવામાં તકલીફ પડી એટલે હરીશભાઈને વધુ પાનો ચડ્યો. તેમણે ચલણી નોટોના કલેક્ટર્સ પાસેથી આવી નોટો ખરીદવાનું શરૂ કર્યું અને હવે ૧૦ વર્ષમાં હરીશભાઈ પાસે આવી નોટોનો ખજાનો થઈ ગયો છે. અત્યારની ૧ રૂપિયાથી લઈને ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૨૦૦૦ની ૭૮૬ નંબરવાળી ડઝનબંધ નોટો તેમની પાસે છે. બંધ થઈ ગયેલી નોટોની આ નંબરવાળી નોટો પણ તેમણે પાંચગણા રૂપિયા આપીને ખરીદી લીધી છે. આ ઝુનૂન એટલું આગળ વધ્યું કે તેમની પાસે માત્ર ભારતીય નોટો જ નહીં; અમેરિકા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, નેપાલ, ભુતાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, શ્રીલંકા જેવા દેશોની કરન્સીની નોટ પણ છે.

