તેમણે લોકો પાસેથી પૈસા માગવા માટે યુટ્યુબ ચૅનલ ખોલી છે
ગૌતમ સૂર્ય નામના ભાઈ અનોખા ભિક્ષુક છે
રોડ, મંદિર કે રેલવે-સ્ટેશન પર તો અનેક ભિક્ષુકો મળી જાય, પરંતુ હવે જમાનો ડિજિટલ થઈ ગયો છે. રોડ પર QR કોડ લઈને બેસનારા ભિક્ષુકોની પણ નવાઈ નથી. જોકે ગૌતમ સૂર્ય નામના ભાઈ અનોખા ભિક્ષુક છે. તેમણે લોકો પાસેથી પૈસા માગવા માટે યુટ્યુબ ચૅનલ ખોલી છે. એનાથીયે વધુ નવાઈની વાત એ છે કે આ ચૅનલના પાંચ લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.
અત્યાર સુધીમાં પોતાની ચૅનલ પર ૩૮૦૦થી હજારથી વધુ વિડિયો મૂકીને કુલ ૨૬ કરોડ વ્યુઝ મેળવી ચૂકેલા ગૌતમ સૂર્યની ભિક્ષા માગવાની પદ્ધતિ પણ યુનિક છે. તે રોજ ત્રણથી ૪ કલાક યુટ્યુબ પર લાઇવ આવે છે અને સ્ક્રીન પર બેથી ત્રણ QR કોડ લગાવીને પૈસા માગે છે. તેના બાયોમાં લખ્યું છે, ‘એક દિવસ હું મારું પોતાનું ઘર જરૂર બનાવીશ. એ પછી કોઈ નહીં કહે કે અહીંથી જા.’ આ ભાઈનો વટ તો એ છે કે તેઓ કોઈને ફૉલો નથી કરતા. જ્યારે ગૌતમ લાઇવ ભિક્ષા માગતો બેઠો હોય ત્યારે ઘણી વાર તો એકસાથે ૧૦,૦૦૦ લોકો એને જોતા હોય એવું બને છે. એ જ વખતે લોકો જ્યારે QR કોડથી એક રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધીની ભીખ આપે તો તે લાઇવ વિડિયોમાં તે ભાઈનું નામ લઈને થૅન્ક યુ કહીને આભાર પણ માને છે. ગૌતમ કહે છે, ‘બે-ત્રણ વર્ષ સુધી મારી પાસે કોઈ કામ નહોતું એ વખતે મારી જિંદગી ખૂબ મુશ્કેલીમાં ગુજરી. પહેલાં હું બેરોજગાર હતો અને પપ્પા રાતે સાડાબાર વાગ્યે સાઇકલ લઈને થાક્યા-પાક્યા ઘરે આવતા ત્યારે હું તેમની સામે નજર નહોતો મિલાવી શકતો. પિતાની તકલીફો જોઈ શકાતી નથી એટલે હવે હું ભીખ માગું છું.’


