પંખીનો કૉસ્ચ્યુમ પહેરીને મૅટ જ્યાં પણ ગયો ત્યાં તેને કુતૂહલથી અનેક લોકોએ સવાલો પૂછ્યા
પંખીના વેશમાં શખ્સ
ઇંગ્લૅન્ડના મૅટ ટ્રૅવિલેન નામના ૪૬ વર્ષના ભાઈ પ્રોટેક્ટેડ લૅન્ડસ્ક્રૅપમાં ફાર્મિંગ કરે છે. કુદરત અને ખેતી તેમનું પૅશન છે અને પંખીઓ સાથે તેઓ એકલા-એકલા કલાકો વાતો કરી શકે એટલો પ્રેમ ધરાવે છે. મૅટભાઈને યુરોપ અને બ્રિટનમાં જોવા મળતું યુરેશિયન કર્લ્યુ નામનું પંખી બહુ ગમે છે, પરંતુ બ્રિટનમાંથી આ પંખીની પ્રજાતિ લગભગ લુપ્ત થવા આવી છે. યુરેશિયન કર્લ્યુની સંખ્યામાં એટલો ચિંતાજનક ઘટાડો થયો છે કે મૅટભાઈએ લોકોનું એ તરફ ધ્યાન ખેંચવા માટે એક ગતકડું કર્યું. જેમને ડૉગ, રૅબિટ જેવાં પ્રાણીઓ ગમતાં હોય છે એ લોકો અવારનવાર એના કૉસ્ચ્યુમ્સ પહેરીને નીકળતા હોય છે એ જોઈને મૅટ ટ્રૅવિલેનને વિચાર આવ્યો કે તે પણ કંઈક આવું કરે તો? જોકે પંખી તો ખૂબ નાનું હોય જ્યારે એનો કૉસ્ચ્યુમ તે પોતે પહેરી શકે એવું તો શક્ય જ નહોતું. એટલે તેણે પંખી કરતાં અનેકગણું કદ ધરાવતો કૉસ્ચ્યુમ બનાવ્યો. એ પહેરીને ભાઈસાહેબ રોડ પર ચાલવા નીકળ્યા. હેતુ હતો કે લોકોને અચરજ થાય અને પૂછે કે આ બધું શું છે? અને એ જ થયું. મૅટભાઈ આ પંખીના જાયન્ટ કદના કૉસ્ચ્યુમ સાથે ઇંગ્લૅન્ડમાં ૮૫ કિલોમીટર ચાલ્યા. બામ્બુ, મસલિન ક્લોથ અને પૉલિયેસ્ટરનો ઉપયોગ કરીને આ કૉસ્ચ્યુમ બનેલો. ઈસ્ટર ફેસ્ટિવલ દરમ્યાન જ્યારે વધુ લોકો ફરવા નીકળતા હોય છે એ વીક-એન્ડમાં તેમણે ચાલવાનું શરૂ કરેલું અને ૨૧ એપ્રિલે વિશ્વ કર્લ્યુ દિવસ હતો ત્યારે ૮૫ કિલોમીટરની પદયાત્રા પૂરી કરી હતી.
પંખીનો કૉસ્ચ્યુમ પહેરીને મૅટ જ્યાં પણ ગયો ત્યાં તેને કુતૂહલથી અનેક લોકોએ સવાલો પૂછ્યા અને એ બહાને લોકોનું આ ટચૂકડા પંખી તરફ ધ્યાન દોરાયું. મૅટનું કહેવું હતું કે ‘પંખીનો કૉસ્ચ્યુમ જાયન્ટ ભલે હતો, પરંતુ બામ્બુનો હોવાથી હલકો હતો એટલે ચાલવામાં વાંધો ન આવ્યો. યુરેશિયન કર્લ્યુ મારું મનપસંદ પંખી છે અને એની આબાદીમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે એનાથી હું બહુ નિરાશ છું. આશા રાખું છું કે આ પદયાત્રા પછી લોકો આ પંખીના સંવર્ધન બાબતે જાગરૂક થશે.’

