આમ તો આ ઘટના ૨૦૨૩માં બની હતી, પરંતુ છેક આટલાં વર્ષો પછી એ વાતનો ખુલાસો થયો છે કે દીકરો એમ જ પડી નહોતો ગયો, પરંતુ તેની માએ જ તેને ઉપરથી ફેંકી દીધો હતો
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થાટીપુર ગામમાં રહેતો ત્રણ વર્ષનો છોકરો બીજા માળેથી પડી જતાં મરી ગયો હતો. આમ તો આ ઘટના ૨૦૨૩માં બની હતી, પરંતુ છેક આટલાં વર્ષો પછી એ વાતનો ખુલાસો થયો છે કે દીકરો એમ જ પડી નહોતો ગયો, પરંતુ તેની માએ જ તેને ઉપરથી ફેંકી દીધો હતો. માએ જ દીકરાની હત્યા કરી હતી. ૨૦૨૩ની ૨૮ એપ્રિલે જ્યારે આ ઘટના બની એના થોડા સમય પહેલાં માની બેવફાઈ સામે આવી હતી. મા તેના પ્રેમી સાથે અભદ્ર હાલતમાં હતી એ તેના ત્રણ વર્ષના દીકરાએ જોઈ લીધું હતું. આટલું નાનું બાળક ખરેખર શું સમજ્યું હશે એ તો ભગવાન જાણે, પણ માને થયું કે જો દીકરો વાતવાતમાં કોઈની સામે આ ભાંડો ફોડી નાખશે તો શું? બસ, કોઈ રીતે આ સત્ય બહાર ન જાય એ માટે તે દીકરાને રમાડતાં-રમાડતાં બીજા માળે લઈ ગઈ અને પછી તેને ઉપરથી ફેંકી દીધો. જોકે એ પછી માનો જીવ દીકરાની હત્યા કર્યા પછી માનસિક રીતે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. તેને રાતે સપનામાં જાણે દીકરો આવીને તેની હત્યાનો ખુલાસો બીજાને કરી દેશે એવી ધમકી આપતો હોય એવું લાગવા માંડ્યું. શરૂઆતમાં તો એ વિચારોને તે દુઃસ્વપ્ન સમજીને ભૂલી જતી હતી પણ કેમેય કરીને પોતાના ભય પર કન્ટ્રોલ ન થતાં તે વાતો બનાવવા લાગી કે તેને સપનામાં દીકરો દેખાય છે અને કહે છે કે મેં તેને મારી નાખ્યો. પહેલાં પિતાને શરૂઆતમાં દીકરાનો અકસ્માત થયો હોવાનું લાગતું હતું, પરંતુ વારંવારની આવી વાતો પછી એ હત્યા હોય એવું લાગવા માંડ્યું. પિતાએ તેની પત્નીને વિશ્વાસમાં લઈને તેની પાસેથી સાચી વાત ઓકાવી લઈને એ દરમ્યાન વિડિયો પણ લઈ લીધા. એ વાતોને પુરાવા તરીકે રજૂ કરીને દીકરાના મૃત્યુનો કેસ ફરી ખોલાવ્યો. એ પછી તો પોલીસે તેના પ્રેમીને પણ પકડી લીધો. શનિવારે જિલ્લા ન્યાયાલયે આ હત્યારી માને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.


