છેલ્લા થોડા દિવસથી દુબઈ વરસાદથી ભીંજાઈ રહ્યું છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દુબઈમાં આવેલા વર્લ્ડ-ફેમસ બુર્જ ખલીફા પર વીજળી પડતી હોય એવો વિડિયો ખુદ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ પર વીજળી પડતી હોય એ નજારો લોકોને બહુ ગમી ગયો છે. દુબઈના જ બીજા એક પ્રિન્સે લખ્યું હતું, ‘માશાલ્લાહ’.
છેલ્લા થોડા દિવસથી દુબઈ વરસાદથી ભીંજાઈ રહ્યું છે. વરસાદ પણ વીજળીના ગડગડાટ સાથે બેફામ થઈ રહ્યો છે. ઘનઘોર વાદળાંથી ઘેરાયેલા આસમાનમાં ઊંચો બુર્જ ખલીફા અડગ ઊભો છે અને એક પળમાં વીજળી બિલ્ડિંગની ટોચે આવેલા સ્ટીલના સ્ટ્રક્ચર પર પડે છે. બૅકગ્રાઉન્ડમાં વરસાદ અને વાદળાં ગરજવાનો અવાજ શરીરમાંથી એક લખલખું પસાર કરી દે એવો છે.


