પોલીસ બાઇક પર કાંબળા વેચવા આવ્યા હોય એમ એ વિસ્તારમાં બૂમ પાડીને ગલીઓમાં ફરવા લાગ્યા
પોલીસ બાઇક પર કાંબળા વેચવા આવ્યા હોય એમ એ વિસ્તારમાં બૂમ પાડીને ગલીઓમાં ફરવા લાગ્યા
મધ્ય પ્રદેશના ખંડવામાં ત્રણ યુવકોએ નકલી પોલીસ અધિકારી બનીને કપડાના વેપારીને લૂંટી લીધો હતો. ૧૨ નવેમ્બરે નકલી પોલીસે તપાસના બહાને અસ્મત ગુરબાની નામના વેપારીને ફિલ્મી અંદાજમાં ધાક બતાવીને સોનાની ચેઇન, વીંટી અને રોકડ રકમ લૂંટી લીધી હતી. આ ત્રણે લૂંટારાઓએ નકલી પોલીસ બનીને આ કામ પાર પાડ્યું હતું. વેપારીએ પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે લૂંટારુ ગૅન્ગને પકડવા માટે આસપાસના ૫૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ફંફોસ્યાં અને વેપારીને નકલી પોલીસના નામે લૂંટી જનારા ત્રણેય જણની ઓળખ પાક્કી કરી લીધી. એક મહિના પછી આ ત્રણેયનું લોકેશન મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે લોકેશન પર જઈને કંઈ ગરબડ ન થાય એ માટે પોલીસે નકલી વેપારીનો વેષ ધારણ કર્યો. પોલીસ બાઇક પર કાંબળા વેચવા આવ્યા હોય એમ એ વિસ્તારમાં બૂમ પાડીને ગલીઓમાં ફરવા લાગ્યા. ખાસ્સી વાર પછી પેલા ત્રણ યુવકો સામે ચાલીને વેપારી પાસે આવ્યા અને પોલીસે તેમને પકડી લીધા. પકડાયેલા આરોપીઓએ મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.


