બહાદુરીબંડી ગામની સરકારી હાયર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ વીરપ્પા અંડાગીએ તેમની સ્કૂલના વિદ્યાર્થીઓને વિમાનમાં બેસવાનો અનુભવ કરાવવા માટે પોતાની બચતમાંથી પાંચ લાખ રૂપિયા ખર્ચ્યા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કર્ણાટકના કોપ્પલ જિલ્લાની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને જીવનભર યાદ રહે એવો અનુભવ કરાવ્યો હતો. ગામનાં બાળકોને પહેલી વાર ઍર ટ્રાવેલ કરાવવા માટે પ્રિન્સિપાલે પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચ્યા હતા. બહાદુરીબંડી ગામની સરકારી હાયર પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ વીરપ્પા અંડાગીએ તેમની સ્કૂલના વિદ્યાર્થીઓને વિમાનમાં બેસવાનો અનુભવ કરાવવા માટે પોતાની બચતમાંથી પાંચ લાખ રૂપિયા ખર્ચ્યા હતા.

ADVERTISEMENT
તોરણગલ્લુના જિન્દલ ઍરપોર્ટથી બૅન્ગલોર જવા માટે એક ખાસ વિમાનથી તેઓ પાંચથી આઠ ધોરણમાં ભણતા કુલ ૨૪ વિદ્યાર્થીઓને લઈ ગયા હતા. તેમની સાથે અન્ય ટીચર્સ, મિડ-ડે મીલ સ્ટાફ અને સ્કૂલની મૉનિટરિંગ કમિટીના સભ્યો સહિત કુલ ૪૦ લોકો જોડાયા હતા. આ વિમાનયાત્રામાં કોને લહાવો મળશે એને માટે ખાસ પરીક્ષા લેવામાં આવી હતી. પાંચથી આઠમા ધોરણના તમામ વિદ્યાર્થીઓની સ્પેશ્યલ ટેસ્ટ લેવામાં આવી હતી. દરેક ધોરણના ટૉપ 6 પર્ફોર્મન્સને આ વિમાનયાત્રા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ જીવનમાં પહેલી વાર વિમાનમાં બેઠા હતા. અત્યાર સુધી તેમણે આકાશમાં ઊડતાં વિમાન જ જોયાં હતાં, પરંતુ પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનું સપનું સાકાર થયું હતું. બૅન્ગલોરમાં બે દિવસની ટ્રિપ હતી જેમાં તેમણે કેટલીક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સની મુલાકાત લીધી અને પર્યટન-સ્થળો પર પણ ફર્યાં હતાં. આ પ્રવાસથી ગામનાં બાળકોને દુનિયા સમજવાનો અને અલગ નજરિયાથી જોવાનો અવસર મળ્યો હતો.


