વાત વણસતાં ચરણસિંહે પેટ્રોલ-પમ્પ પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે
પ્રતીકાત્મક તસવીર
એક તરફ ફ્યુઅલના ભાવ વધી ગયા છે અને પેટ્રોલ-પમ્પવાળાઓ ગ્રાહકો સાથે છેતરપિંડીના વિકલ્પો શોધીને તેમને વધુ લૂંટી રહ્યા છે. કાનપુરમાં એક પેટ્રોલ-પમ્પ પર આવો જ મામલો સામે આવ્યો. ચરણસિંહ નામના એક ભાઈ પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા ગયા. તેમણે પેટ્રોલ-પમ્પવાળાને ટાંકી ફુલ કરવાનું કહ્યું હતું. તેમણે નવીનકોર કાર ખરીદી હતી અને કંપનીએ પહેલેથી કારમાં પાંચ લીટર પેટ્રોલ ભરી આપ્યું હતું. જોકે એ પછી પણ પેટ્રોલ-પમ્પવાળાએ એ કારમાં બાવન લીટર પેટ્રોલ ભરી નાખ્યું. હવે જ્યારે પેટ્રોલની ટાંકી જ ૪૫ લીટરની હોય અને એમાં પાંચ લીટર પેટ્રોલ ઑલરેડી હોય તો ક્યાંથી બાવન લીટર પેટ્રોલ એમાં ભરાય?
ચરણસિંહે પમ્પના મૅનેજરને ફરિયાદ કરી અને આવું કઈ રીતે થયું એની તપાસ કરવા કહ્યું તો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. ચરણસિંહે જ્યાંથી કાર લીધી હતી એ કંપનીના માણસને ત્યાં બોલાવ્યો. તેણે જ્યારે કહ્યું કે એમાં ટાંકી જ ૪૫ લીટરની છે તો તમે વધારાનું પેટ્રોલ ક્યાં નાખ્યું? વાત વણસતાં ચરણસિંહે પેટ્રોલ-પમ્પ પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
