બે ગામો વચ્ચેનું અંતર માત્ર ૧૫ કિલોમીટર જ હતું, પરંતુ લાઇનસર ટ્રૅક્ટરો ચાલતાં હોવાથી એક મજાનો નજારો રચાયો હતો
ખેડૂતપુત્ર ઓમપ્રકાશ માયલા લગ્ન કરવા માટે ૧૫ કિલોમીટર દૂર આવેલા ગામે જાન લઈને પહોંચ્યો
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં ખેડૂતપુત્ર ઓમપ્રકાશ માયલા લગ્ન કરવા માટે ૧૫ કિલોમીટર દૂર આવેલા ગામે જાન લઈને પહોંચ્યો ત્યારે લાંબીલચક જાન જોઈને ભલભલા દંગ રહી ગયા હતા. ઓમપ્રકાશની જાનમાં ૧૨૧ ટ્રૅક્ટરો પર જાનૈયાઓ નીકળ્યા હતા. દુલ્હો ખુદ પોતાનું ટ્રૅક્ટર ચલાવીને સાસરે પહોંચ્યો હતો. બે ગામો વચ્ચેનું અંતર માત્ર ૧૫ કિલોમીટર જ હતું, પરંતુ લાઇનસર ટ્રૅક્ટરો ચાલતાં હોવાથી એક મજાનો નજારો રચાયો હતો. પહેલાંના સમયમાં જાન બળદગાડી કે ઊંટો પર નીકળતી હતી, પણ હવેના સમયમાં લક્ઝરી કારનું ચલણ વધી ગયું છે. ઓમપ્રકાશની ઇચ્છા હતી કે જૂની પરંપરાઓને પાછી જીવિત કરવામાં આવે અને ટ્રેડિશનલ ખેતી માટે વપરાતાં સાધનોને મહત્ત્વ આપવામાં આવે. તેણે જાનમાં આવનારા તમામ લોકાને પીળા ચોખા આપીને જાનમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે તેઓ ટ્રૅક્ટર લઈને આવે. દુલ્હો લગ્ન કરીને નવી દુલ્હનને પણ ટ્રૅક્ટરમાં બેસાડીને જ પોતાના ઘરે લાવ્યો હતો.

