નેપાલની સરહદ પાસે આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢથી ૩૫ કિલોમીટર દૂર આવેલા જાજર ચિંગરી ગામની પ્રાઇમરી સ્કૂલમાં એક રોબો-ટીચર સ્કૂલના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી શીખવે છે. રોબોનું નામ છે ઇકો મૅડમ.
AI થી સંચાલિત રોબો ઇકો મૅડમ
નેપાલની સરહદ પાસે આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢથી ૩૫ કિલોમીટર દૂર આવેલા જાજર ચિંગરી ગામની પ્રાઇમરી સ્કૂલમાં એક રોબો-ટીચર સ્કૂલના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી શીખવે છે. રોબોનું નામ છે ઇકો મૅડમ. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સંચાલિત આ રોબો ચીની ટેક્નિકથી બનાવવામાં આવ્યો છે.
ડિજિટલ યુગની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં અંતરિયાળ ગામોમાં હજી બેઝિક સુવિધાઓની પણ કમી છે ત્યારે જાજર ચિંગરી ગામમાં રોબો-ટીચર આવી ગયો છે એનું શ્રેય સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રશેખર જોશીને જાય છે. તેમનું કહેવું છે કે ‘સ્કૂલ માટે રોબો-ટીચરનો ઉપયોગ કરવાનો વિચાર એક દોસ્ત સાથેની વાત દરમ્યાન આવ્યો હતો. એ દોસ્ત ચીનમાં એન્જિનિયર છે. તેની સાથે આ પ્રકારના AI સંચાલિત સિસ્ટમના લાભ વિશેની ચર્ચા પછી મેં તેને જ આવો રોબો બનાવી આપવામાં મદદ કરવાનું કહ્યું હતું. તેણે રોબો બનાવીને ત્રણ અલગ-અલગ પૅકેજમાં અમને પહોંચાડ્યા હતા. એ પછી તેના વૉટ્સઍપ-માર્ગદર્શનથી મેં ઘરે જ આખી સિસ્ટમ ઍસેમ્બલ કરી હતી. રોબો-ટીચર બનાવવાનો કુલ ખર્ચ ૪ લાખ રૂપિયા થયો હતો.’
ઇંગ્લિશ અને હિન્દી બન્ને ભાષામાં કામ કરતાં આ ઇકો નામનાં મૅડમ સ્કૂલનું અભિન્ન અંગ બની ગયાં છે. સ્કૂલના એક ટીચરનું કહેવું છે કે ‘આ રોબો થકી ભણવા ઉપરાંતનું જ્ઞાન અને લેટેસ્ટ ટેક્નૉલૉજી વિશેની માહિતી બાળકોને શીખવવામાં આવે છે. અમારી પાસે ત્રણ વર્ષથી ગણિતના ટીચર નહોતા, હવે ઇકો મૅડમ વિદ્યાર્થીઓને ગણિત શીખવે છે. ઇકો રોબો બાળકો સાથે વાતો કરે છે. તેમના સવાલના જવાબ આપે છે. તેમની ભૂલ હોય તો સુધારે છે અને નવું-નવું શીખવા પ્રેરિત કરે છે.’


