ગ્વાલિયરમાં એક યુવાને સોશ્યલ મીડિયામાં રીલ વાઇરલ કરવા માટે ગર્લફ્રેન્ડ પાસે કાર પર લગભગ ૩૪૦૦ લિપસ્ટિક કિસના નિશાન કરાવ્યાં. રીલને લાખો વ્યુઝ મળ્યા, પરંતુ પોલીસે ૫૫૦૦ રૂપિયાનો દંડ ફટકારી કાર પરથી નિશાન સાફ કરાવ્યાં.
યુવાને ગર્લફ્રેન્ડ પાસે કાર પર ૩૪૦૦ વાર કિસ કરાવી, પોલીસે ૫૫૦૦ રૂપિયાનો દંડ કરીને હોઠનાં નિશાન સાફ કરાવ્યાં
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આદિત્ય સિકરવાર નામના યુવાને પોતાની કાર પર પોતાની ગર્લફ્રેન્ડ પાસે લિપસ્ટિક્સનાં નિશાન કરાવ્યાં. આખી કારના દરેક ખૂણે યુવતીએ લિપસ્ટિક કરેલા હોઠથી કિસ કરીને હોઠની છાપ છોડી હતી. આ માટે લગભગ સાડાત્રણ કલાકની મહેનત થઈ. આખીયે કારને કિસનાં નિશાનથી કવર કરવા માટે ગર્લફ્રેન્ડે લગભગ ૩૪૦૦ વખત કારને કિસ કરી હતી. એ માટે આદિત્યએ તેને બે લિપસ્ટિક પણ લાવી આપી હતી. આદિત્ય કહે છે કે આવું તેણે રીલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય એ માટે જ કર્યું હતું. તેનો હેતુ પણ પાર પડ્યો હતો કેમ કે એક જ દિવસમાં તેની રીલને પંચાવન લાખ વ્યુઝ મળ્યા અને ન્યુઝમાં મળેલી પબ્લિસિટી અલગ. જોકે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી આ ક્લિપ પર ગ્વાલિયરની પોલીસની નજર પડી.
View this post on Instagram
ADVERTISEMENT
ઑપરેશન ઇગલ હેઠળ ટ્રાફિક-પોલીસે કારની નંબરપ્લેટ પરથી આદિત્યને શોધી કાઢ્યો હતો અને કાર લઈને પોલીસ-સ્ટેશન બોલાવ્યો હતો. પોલીસે તેની સાન ઠેકાણે લાવવા માટે ૫૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તેમની સામે જ જાતે કાર પરથી નિશાન સાફ કરવાની સજા કરી હતી. તેણે પોલીસને ખાતરી પણ આપી છે કે ભવિષ્યમાં તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નહીં કરે.
આ ઘટના પછી સ્થાનિકો સાથેની વાતચીતમાં આદિત્ય કબૂલે છે કે તેણે તો માત્ર ફેમસ થવા માટે આ કામ કર્યું હતું. જોકે તેને આ સોદો મોંઘો પડ્યો હતો કેમ કે ગર્લફ્રેન્ડને ૯૦૦ રૂપિયાની લિપસ્ટિક લાવી આપવી પડી અને ઉપરથી ૫૫૦૦ રૂપિયાનો દંડ થયો. અલબત્ત, સોશ્યલ મીડિયામાં મળેલા ફુટેજથી ભાઈસાહેબ સાતમા આસમાને વિહરી રહ્યા છે.
