પત્નીનું કહેવું છે કે લગ્ન પહેલાં પતિએ પોતાની ટાલ, ભણતર અને આર્થિક સ્થિતિ છુપાવ્યાં હતાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં એક લગ્નના મંડપમાં સાત ફેરા લેતી વખતે સુંદર દેખાતાં દુલ્હા-દુલ્હનનું જીવન એક રાઝ પર ટક્યું હતું જે લગ્ન પછી ઉજાગર થયું હતું. ગ્રેટર નોએડામાં એક મહિલાએ લગ્ન પછી તરત જ પોતાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ દગાબાજીની ફરિયાદ નોંધાવી હતી. પત્નીનું કહેવું છે કે લગ્ન પહેલાં પતિએ પોતાની ટાલ, ભણતર અને આર્થિક સ્થિતિ છુપાવ્યાં હતાં. પતિ નકલી વાળની વિગ લગાવીને ફરતો હતો અને લગ્ન સમયે તેને આ બાબતે અંધારામાં રાખવામાં આવી હતી. લગ્ન પછી બીજા જ દિવસે તેને પતિની ટાલની ખબર પડવા ઉપરાંત એક પછી એક જૂઠ સામે આવવા લાગ્યાં. પત્નીનું કહેવું છે કે ‘આ બાબતે પતિ અને સાસરિયાંનો વિરોધ કરતાં તેમણે મારી અંગત તસવીરો બતાવીને મને બ્લૅકમેઇલ કરીને મારી પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરી હતી. મેં વિરોધ કર્યો તો મારી મારપીટ કરી અને મને ઘરની બહાર કાઢવા સુધી વાત પહોંચી ગઈ.’
આખરે પત્નીએ પોલીસમાં જઈને પતિ અને સાસરીના પાંચ લોકો સામે દગાબાજી અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.


