૩૧ વર્ષનો યાંગ જિંગશાન આ મહિને થાઇલૅન્ડમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો હતો
યાંગ જિંગશાન અને તેની ગર્લફ્રેન્ડ
મલેશિયામાં કાર-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા એક કપલનાં ઘોસ્ટ મૅરેજ થવાનાં છે. મૂળ ચીનનો અને મલેશિયામાં કામ કરતો યુવક અને તેની ગર્લફ્રેન્ડ ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતાં. ૩૧ વર્ષનો યાંગ જિંગશાન આ મહિને થાઇલૅન્ડમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો હતો, પણ ૨૪ મેએ તેમની કાર ઊંધી વળી જતાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. તેમનો પરિવાર હવે ‘ઘોસ્ટ મૅરેજ’ની પ્રથા મુજબ તેમનાં લગ્ન માટે ખાસ સમારોહનું આયોજન કરવાનાં છે. તેમનું માનવું છે કે આમ કરવાથી યુવક-યુવતી મૃત્યુ બાદ પણ પતિ-પત્ની તરીકે એક થઈ જશે અને તેમના આત્માને શાંતિ મળશે. એ માટે કપલનાં લગ્નના ફોટો પણ બનાવવામાં આવ્યા છે.
ચીનની સંસ્કૃતિથી પ્રેરાઈને નૉર્થ કોરિયા અને જપાન જેવા પૂર્વ એશિયાના દેશોમાં પણ ઘોસ્ટ મૅરેજની પ્રથા છે. આ ઘોસ્ટ મૅરેજ બે પ્રકારનાં હોય છે. એક લગ્ન એવાં હોય છે જેમાં કપલ સગાઈ પહેલાં કે પછી મૃત્યુ પામે ત્યારે તેમનો લગ્ન-સમારોહ ગોઠવીને તેમને એકસાથે દફનાવવામાં આવે છે. બીજા પ્રકારમાં એવી વ્યક્તિનાં લગ્ન થાય છે જેમને કોઈ પાર્ટનર ન હોવાથી મૅચમેકર દ્વારા મૃત્યુ પામનાર માટે યોગ્ય મૃત્યુ પામનાર જીવનસાથી શોધવામાં આવે છે અને પછી તેમનાં લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન બાદ તેમના મૃતદેહને બહાર કાઢીને નવી કબરમાં એકસાથે દફનાવવામાં આવે છે. આ પ્રથાને કારણે અમુક લોકો મૃતદેહ અને મૃત્યુ પામનારની રાખ વેચવા લાગ્યા છે એટલે ચીનની સરકારે આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે ઉત્તર ચીનના વિસ્તારોમાં ૩૦૦૦ વર્ષ જૂની પ્રથા હજી પણ ચાલુ છે.

