સ્થાનિક સુરક્ષા-એજન્સીઓને શંકા જતાં જ્યારે ડોનિયાના મેડિકલ રિપોર્ટ્સની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તમામ રિપોર્ટ્સ નકલી હતા
ડોનિયા ફૌદ
સોશ્યલ મીડિયા પર સહાનુભૂતિ મેળવીને રાતોરાત લાખો રૂપિયા કમાવાના ચક્કરમાં ઇજિપ્તની એક જાણીતી ઇન્ફ્લુએન્સર જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. ડોનિયા ફૌદ નામની આ મહિલાએ પોતાને કૅન્સર હોવાનું જૂઠું નાટક રચીને તેના ફૉલોઅર્સ પાસેથી સારવારના નામે અંદાજે ૭૧ લાખ રૂપિયા (૪૦ લાખ ઇજિપ્શ્યન પાઉન્ડ) એકઠા કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.
આ ભેજાબાજ યુવતીએ ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લૅટફૉર્મ પર વિડિયો શૅર કરીને દાવો કર્યો હતો કે તે કૅન્સરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે અને વર્લ્ડ મેડિકલ સેન્ટરમાં તેની સારવાર માટે મોટી રકમની જરૂર છે. તેની ભાવુક અપીલ જોઈને હજારો લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. જોકે લોકો પાસેથી મળેલા દાનના પૈસાથી તે અત્યંત આલીશાન જીવન જીવી રહી હતી અને મોંઘી ગાડીઓ તથા લક્ઝરી વસ્તુઓ પાછળ ખર્ચ કરી રહી હતી.
ADVERTISEMENT
તેની સચ્ચાઈ બહાર આવતાં વાર ન લાગી. સ્થાનિક સુરક્ષા-એજન્સીઓને શંકા જતાં જ્યારે ડોનિયાના મેડિકલ રિપોર્ટ્સની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તમામ રિપોર્ટ્સ નકલી હતા. તેણે હૉસ્પિટલનાં બિલો અને લેટરહેડ સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી.
