૧૯૯૭માં તેની ૧૬ વર્ષની દીકરી લૅમ્બિયા અસ્થમાના હુમલામાં ગુજરી ગઈ હતી. ત્યારથી તેણે નક્કી કરી લીધું કે હવે તે કદી નખ નહીં કાપે.
ડાયના આર્મસ્ટ્રૉન્ગ
અમેરિકાના મિનેસોતામાં રહેતાં ડાયના આર્મસ્ટ્રૉન્ગ વિશ્વના સૌથી મોટા નખ ધરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. તેમના બન્ને હાથની પાંચેય આંગળીઓ મળીને નખની કુલ લંબાઈ ૪૨ ફુટ અને દસ ઇંચની છે. ૧૯૯૭ની સાલથી તેમણે પોતાના નખ કાપવાનું બંધ કરી દીધું હતું અને ૨૦૨૩ની સાલમાં વિશ્વના સૌથી લાંબા નખ ધરાવવાનો ખિતાબ મેળવ્યો છે. જોકે આટલા લાંબા નખ સાથે તેને રોજિંદા જીવનમાં ખૂબ અગવડો વેઠવી પડે છે. તે જાતે કપડાં નથી બદલી શકતી, પૅન્ટની ઝિપ ખોલબંધ કરવામાં અને વૉશરૂમ યુઝ કરવામાં ખૂબ તકલીફ પડે છે. મૉલ કે થિયેટરના નાના વૉશરૂમમાં તો આ નખ સાથે પ્રવેશી પણ નથી શકતી. દર ચાર વર્ષે તે નખનું ફાઇલિંગ પોતાનાં સંતાનો પાસે જ કરાવે છે અને એ વખતે લગભગ દસ કલાક જાય છે. સૂતી વખતે નખ તૂટી ન જાય એ માટે તેણે ખૂબ કાળજી રાખવી પડે છે. લાંબા નખ સુંદર લાગે એ માટે તે બ્રાઇટ નેઇલ-પૉલિશથી રંગે છે અને એક વાર નેઇલ-પૉલિશ કરવામાં લગભગ વીસેક બૉટલો ખાલી થઈ જાય છે. પોતાના જ પર્સમાંથી જાતે પૈસા કાઢવામાં તકલીફ પડે છે અને જો હાથમાંથી પૈસા કે ચલણી નોટ નીચે પડી ગઈ તો પોતાની મેળે ઉપાડી નથી શકતી. આટઆટલી તકલીફ પડતી હોવા છતાં તે કેમ નખ કપાવતી નથી? આ સવાલનો તેણે તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓને જવાબ આપ્યો છે. વાત જાણે એમ છે કે પહેલેથી તેને નખ કાપવાનું ફાવતું નહોતું, પણ તેની દીકરી લૅમ્બિયા દર અઠવાડિયે નખ કાપીને ટ્રિમ કરી આપતી હતી. ૧૯૯૭માં તેની ૧૬ વર્ષની દીકરી લૅમ્બિયા અસ્થમાના હુમલામાં ગુજરી ગઈ હતી. ત્યારથી તેણે નક્કી કરી લીધું કે હવે તે કદી નખ નહીં કાપે.

