અમેરિકાના કૅલિફૉર્નિયામાં પામ સ્પ્રિંગ્સ ઍનિમલ શેલ્ટરમાં ઝોઇ નામની એક બિલાડી અચાનક જ બલૂનની જેમ ફૂલી ગઈ હતી
બિલાડી
અમેરિકાના કૅલિફૉર્નિયામાં પામ સ્પ્રિંગ્સ ઍનિમલ શેલ્ટરમાં ઝોઇ નામની એક બિલાડી અચાનક જ બલૂનની જેમ ફૂલી ગઈ હતી. તરત જ શેલ્ટર હોમવાળા લોકો બિલાડીને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડૉક્ટરો પણ એને જોઈને દંગ રહી ગયા હતા. એનું કારણ એ હતું કે એનું શરીર અસામાન્ય રીતે સૂજી ગયું હતું. સામાન્ય રીતે શરીરમાં સોજો આવે ત્યારે પાણી અને ફ્લુઇડ ભરાતું હોય છે, પરંતુ ઝોઇના શરીરમાં હવા ભરાઈ ગઈ હતી. શરીરમાં હવા કઈ રીતે ભરાઈ જાય? એની સારવાર કરનારા ડૉક્ટર ફિલના કહેવા અનુસાર ઝોઇને સબક્યુટેનિયસ એમ્ફીસીમા એટલે કે ત્વચાના ઉપરના ભાગમાં હવા ભરાઈ જવાની દુર્લભ બીમારી થઈ હતી. એમાં ત્વચાની નીચેના સ્તરમાં હવા જમા થઈ જાય છે. શરીરમાં ઘા થવાથી, ચેપ લાગવાથી કે મેડિકલ સમસ્યાને કારણે આવું થઈ શકે છે. ઝોઇની શ્વાસનળીમાં ડૅમેજ થયું હોવાથી એમાંથી લીક થતી હવા શરીરમાં ફેલાઈ ગઈ હતી. ડૉક્ટરે સોયની મદદથી શરીરમાં ફસાયેલી હવા બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે લિટરલી ફુગ્ગામાંથી હવા નીકળે અને ફુગ્ગો સંકોચાય એમ બિલાડીબહેન પણ પાછાં નૉર્મલ થવા લાગ્યાં હતાં.
