જ્યારે ડૉક્ટરને તેની ‘હર્બલ અને ચમત્કારી’ ક્રીમ વિશે ખબર પડી તો તેમણે એ મગાવીને ચેક કરી. એ વખતે ઘટસ્ફોટ થયો કે એ ક્રીમ ભારે માત્રામાં સ્ટેરૉઇડ્સ ધરાવે છે અને લાંબા સમયથી એ લેવાને કારણે મહિલાની હૉર્મોનલ સિસ્ટમ બગડી ચૂકી હતી.
હર્બલ ચાઇનીઝ ક્રીમ લગાવવાથી મહિલાની ત્વચા સાપ જેવી થઈ ગઈ
ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં ૪૦ વર્ષની ટિન્ગટિન્ગ નામની એક મહિલાને ત્વચા પર નાના-નાના લાલ રંગના ડાઘ દેખાવાના શરૂ થયેલા. તેને લાગ્યું કે આ કોઈ ચીજની ઍલર્જી હશે એટલે તેણે ડૉક્ટર પાસે જવાનું કે કોઈ દવા કરવાનું ટાળ્યું. ઇન્ટરનેટ પર જ આ સમસ્યાનો ઇલાજ શોધતાં તેને એક હર્બલ ક્રીમ વિશે જાણવા મળ્યું. તરત જ તેણે ઑર્ડર પણ કરી લીધી. ક્રીમ લગાવવાનું શરૂ કર્યા પછી થોડા દિવસ તો એની ખૂબ જ સરસ અસર દેખાઈ. લાલ ડાઘ પણ દૂર થઈ ગયા હોય એવું લાગ્યું. જોકે થોડા સમય પછી એની ત્વચા જાડી થવા લાગી. જાડી ત્વચા પર લીસોટા પડ્યા હોય એવી રેખાઓ બનવા લાગી. થાક, ઊલટી, કમજોરીથી હેરાન થઈને આખરે તેને હૉસ્પિટલમાં ભરતી કરવી પડી. જ્યારે ડૉક્ટરને તેની ‘હર્બલ અને ચમત્કારી’ ક્રીમ વિશે ખબર પડી તો તેમણે એ મગાવીને ચેક કરી. એ વખતે ઘટસ્ફોટ થયો કે એ ક્રીમ ભારે માત્રામાં સ્ટેરૉઇડ્સ ધરાવે છે અને લાંબા સમયથી એ લેવાને કારણે મહિલાની હૉર્મોનલ સિસ્ટમ બગડી ચૂકી હતી. એ ક્રીમને કારણે તેની ત્વચા કડક અને સાપની કાંચળી જેવી થઈ ગઈ હતી. ક્યારેક ઇન્ટરનેટ પર હર્બલ અને પ્યૉર ટ્રેડિશનલ પ્રોડક્ટની જાહેરાત જોઈએ અને તરત જ એને વાપરવાનું મન થઈ આવે તો આ સમાચાર યાદ કરી લેવા જેવા છે.


