રસ્તાની વચ્ચે બે થાંભલા ઊભા કરી એના પર લટકાવેલી દોરી પર ચાલીને કરતબ બતાવનારાઓને આપણે જોયા હશે, જેને સ્લૅકલાઇન કહેવામાં આવે છે.
સ્લૅકલાઇન પર સૌથી ઝડપી ૧૦૦ મીટર ચાલવાનો ચીનના સ્પોર્ટ્સમૅનનો નવો રેકૉર્ડ
રસ્તાની વચ્ચે બે થાંભલા ઊભા કરી એના પર લટકાવેલી દોરી પર ચાલીને કરતબ બતાવનારાઓને આપણે જોયા હશે, જેને સ્લૅકલાઇન કહેવામાં આવે છે. તાજેતરમાં ચીનના એક સ્પોર્ટ્સમૅને સ્લૅકલાઇન પર સૌથી ઝડપથી ૧૦૦ મીટર ચાલીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. ચીનના શી હેઇલિને ૧૦૦ મીટર સ્લૅકલાઇન વૉક ૧ મિનિટ ૧૪.૧૯૮ સેકન્ડમાં પૂરી કરી હતી. તેણે આ સાહસ પિગ્ઝિયાંગના માઉન્ટ વુગોંગમાં આવેલા ગુઆનીઇન્ડાંગ કૅમ્પમાં દરિયાઈ સપાટીથી ૧૬૦૦ મીટરની ઊંચાઈએ કર્યું હતું. તે કુલ ૨૨૨ મીટર ચાલ્યો હતો. બે ટેકરીઓની વચ્ચે સ્લૅકલાઇન લટકાવાઈ હતી. વળી તેણે આ રેકૉર્ડ કર્યો ત્યારે ધુમ્મસ હતું. તેણે ૨૦૧૬માં ફ્રાન્સના લુકાસ મિલિયર્ડ દ્વારા આ અંતર કાપવામાં લીધેલી ૧ મિનિટ ૫૯.૭૩ સેકન્ડનો અગાઉનો રેકૉર્ડ તોડ્યો હતો. ૩૧ વર્ષના શી હેલિનને ૨૦૧૬થી આવી સાહસિક રમતોમાં રસ છે. તેણે એશિયામાં સ્લૅકલાઇન પર ચાલવાના ઘણા રેકૉર્ડ કર્યા છે.