થોડા દિવસ પહેલાં ચીનમાં કેટલીક કંપનીઓ કર્મચારીઓ ટૉઇલેટમાં વધુ સમય વિતાવતા હોવાથી છૂપા કૅમેરા દ્વારા નિગરાની રાખતા હોવાના સમાચારે વિવાદ જગાવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
થોડા દિવસ પહેલાં ચીનમાં કેટલીક કંપનીઓ કર્મચારીઓ ટૉઇલેટમાં વધુ સમય વિતાવતા હોવાથી છૂપા કૅમેરા દ્વારા નિગરાની રાખતા હોવાના સમાચારે વિવાદ જગાવ્યો હતો. જોકે આ બાબતે હજી એક બીજી કંપનીએ વધુ આશ્ચર્યજનક નિયમાવલિ બહાર પાડી દેતાં સોશ્યલ મીડિયા પર ચર્ચા જાગી છે. દક્ષિણ ચીનમાં થ્રી બ્રધર્સ મશીન મૅન્યુફેક્ચરિંગ કંપનીએ ગયા અઠવાડિયે કર્મચારીઓ માટે ટૉઇલેટ યુઝ કરવાના રૂલ્સ બહાર પાડ્યા હતા. આ નિયમ અનુસાર કર્મચારીઓ સવારે ૮ વાગ્યા પહેલાં, સવારે ૧૦.૩૦થી ૧૦.૪૦, બપોરે ૧૨થી ૧.૩૦, બપારે ૩.૩૦થી ૩.૪૦ અને સાંજે ૫.૩૦થી ૬ વાગ્યા દરમ્યાન જ શૌચાલયનો ઉપયોગ કરી શકશે. ઓવરટાઇમ શિફ્ટમાં કામ કરતા લોકોને રાતે ૯ વાગ્યા પછી ટૉઇલેટ વાપરવાની અનુમતિ રહેશે. ધારો કે કોઈને અર્જન્સી હોય અને તાત્કાલિક ટૉઇલેટ જવું પડે તો બે જ મિનિટમાં પાછા પોતાની જગ્યાએ આવવાનું રહેશે. કંપનીએ ખુલ્લેઆમ કહ્યું છે કે આ નિયમોનું પાલન થાય એ માટે CCTV કૅમેરાથી તેમના પર નિગરાની રાખવામાં આવશે અને નિયમનું ઉલ્લંઘન કરનારને ૧૦૦ યુઆન એટલે કે ૧૧૮૮ રૂપિયાનો દંડ થશે.


