૮૦ મિનિટ ચાલેલા ઑપરેશન પછી સડી ગયેલું ટૂથબ્રશ નીકળ્યું ત્યારે દાદાને યાદ આવ્યું કે બાળપણમાં તેઓ આ ટૂથબ્રશ ગળી ગયેલા.
બાળપણમાં ગળાઈ ગયેલું ૧૭ સેન્ટિમીટરનું ટૂથબ્રશ બાવન વર્ષ સુધી પેટમાં રહ્યું
ચીનમાં એક અજીબોગરીબ કેસ બહાર આવ્યો છે. ૬૪ વર્ષના એક દાદાના પેટમાંથી ડૉક્ટરોએ ૧૭ સેન્ટિમીટર લાંબું ટૂથબ્રથ કાઢવાની સર્જરી કરી હતી. યૅન્ગ અટક ધરાવતા આ દાદા તો ભૂલી પણ ગયેલા કે તેઓ નાના હતા ત્યારે રમતાં-રમતાં એક મસમોટું ટૂથબ્રશ ગળી ગયેલા. વાત એમ હતી કે ૧૨ વર્ષની ઉંમરે તેઓ રમતા હતા ત્યારે ગળાના અંદરના ભાગને સાફ કરવા જતાં ટૂથબ્રશ ગળામાં જતું રહ્યું. પેરન્ટ્સ તેના આ કારનામા માટે ગુસ્સો કરશે એવા ડરથી તેમણે કોઈને કહ્યું નહીં. એટલું જ નહીં, તેમણે ઘણુંબધું પાણી પીને ગળામાં ફસાયેલું બ્રશ પેટમાં અંદર ઉતારી દીધું. એ વખતે તો તેમને લાગ્યું કે બ્રશ પણ તેમના મળ વાટે નીકળી જશે. થોડા દિવસ તેઓ જ્યારે પણ ટૉઇલેટ જતા ત્યારે મળમાં તપાસ પણ કરતા, પરંતુ બ્રશ કેમેય નીકળ્યું નહીં. દિવસો જતાં ભુલાઈ ગયું કે પેટમાં બ્રશ છે. એ વાતને બાવન વર્ષ વીતી ગયાં. થોડા સમયથી તેમને પેટમાં દુખાવો થતો હતો અને પછી પેટ સાફ થવામાં પણ મુશ્કેલી પડતી હતી એટલે ડૉક્ટરને બતાવ્યું. પ્રાથમિક ટેસ્ટ કરાવી તો ખબર પડી કે નાના આંતરડાના ખાંચામાં કંઈક ફૉરેન ઑબ્જેક્ટ ફસાયેલો છે. એ કાઢવા માટે ડૉક્ટરોએ સર્જરી કરી. ૮૦ મિનિટ ચાલેલા ઑપરેશન પછી સડી ગયેલું ટૂથબ્રશ નીકળ્યું ત્યારે દાદાને યાદ આવ્યું કે બાળપણમાં તેઓ આ ટૂથબ્રશ ગળી ગયેલા.


