શીર્ષક વાંચીને જો તમને લાગતું હોય કે આ કોઈ ઍસ્ટ્રોલૉજીને લગતી અને ગ્રહો સાથે સંકળાયેલી અગડમબગડમ વાત છે તો ના, એવું જરાય નથી. જૅપનીઝ સંશોધકોએ કરેલા અત્યંત કૉમ્પ્લેક્સ અભ્યાસનું આ તારણ છે.
પ્રતીકાત્મક તસવીર
શીર્ષક વાંચીને જો તમને લાગતું હોય કે આ કોઈ ઍસ્ટ્રોલૉજીને લગતી અને ગ્રહો સાથે સંકળાયેલી અગડમબગડમ વાત છે તો ના, એવું જરાય નથી. જૅપનીઝ સંશોધકોએ કરેલા અત્યંત કૉમ્પ્લેક્સ અભ્યાસનું આ તારણ છે. સ્વાભાવિક છે કે માણસનો જન્મ જે મહિનામાં થયો હોય એના ૯ મહિના પહેલાં તે માના ગર્ભમાં પેદા થાય છે. જ્યારે શુક્રાણુ અને અંડબીજનું ફલીકરણ થઈને એકકોષીય ભ્રૂણનું નિર્માણ થાય છે એ સમય માનવશરીરની અનેક સંભાવનાઓને નિશ્ચિત કરી દે છે. ભ્રૂણનું નિર્માણ થાય ત્યારે ગરમીની સીઝન છે કે ઠંડીની એના આધારે શરીરના કયા ભાગમાં અને કયા પ્રકારની ફૅટ સંઘરાશે એ નક્કી થાય છે. જે ભ્રૂણ ઠંડીની સીઝનમાં નિર્માણ પામ્યું હોય છે તેના શરીરમાં બ્રાઉન એડિપોઝ ફૅટ વધુ હોય છે. બ્રાઉન એડિપોઝ ટિશ્યુ એ એક પ્રકારની ફૅટ છે જે એનર્જી આપવાનું કામ કરે અને શરીરને વૉર્મ રાખે છે અને બ્લડ શુગર રેગ્યુલેટ કરે છે. નિષ્ણાતોએ જૅપનીઝ કલ્ચરના જ ૧૮૭૭ લોકોનો અભ્યાસ કરીને તારવ્યું હતું કે જે લોકો ઠંડીની સીઝનમાં કન્સીવ થયા હોય તેમનામાં નિતંબ અને પેડુના ભાગમાં બ્રાઉન ફૅટનું પ્રમાણ વધુ જમા થાય છે. ગરમીની સીઝનમાં કન્સીવ થયા હોય અને ઠંડીમાં જન્મ્યા હોય એવા લોકોમાં અપર બૉડીમાં ચરબીની જમાવટ વધારે થાય છે. અલબત્ત, આ અભ્યાસ માત્ર જૅપનીઝ અને કેટલાક યુરોપિયન સંસ્કૃતિ આધારિત લોકો પર જ થયો છે એટલે એ વૈશ્વિક ધોરણે કઈ રીતે લાગુ પડે એ હજી સ્પષ્ટ થયું નથી.

