બીજી તરફ મેં એકસાથે બન્ને હાથમાં ક્રેટ સાપનાં મોં પકડ્યાં અને શરીરનું બધું જોર લગાવીને હથેળીમાં જ મસળી નાખ્યાં. એ જ વખતે સલોનીની આંખ ખૂલી અને એ જોઈને તે ડરી ગઈ.
નાગ-નાગણ આખી રાત ૧૦ વર્ષની છોકરીના ગળે વળગીને સૂતાં, સવારે આ નજારો જોઈને માતા-પિતા હક્કા-બક્કા રહી ગયાં
બિહારના ગયા જિલ્લાના જમહેતા ગામમાં ૧૦ વર્ષની સલોની નામની છોકરી સાથે જે થયું એ કોઈ ફિલ્મી સીનથી કમ નથી. વાત એમ હતી કે અડધી રાતે બે અત્યંત ઝેરી સાપની જોડી આવીને છોકરીના ગળામાં વીંટળાઈ વળી હતી. ભરઊંઘમાં સૂતેલી છોકરીને તો એનો અંદાજ પણ નહોતો. જોકે વહેલી સવારે જ્યારે તેની મા ઊઠી તો દીકરીના ગળામાં જે વીંટળાયેલું એ જોઈને હતપ્રભ થઈ ગઈ. માના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એ ચીસ સાંભળીને સલોનીના પિતા રાજુકુમાર કેસરી દોડી આવ્યા. તેણે જે નજારો જોયો એ પછી તે પણ ડઘાઈ ગયો. બે અત્યંત ઝેરી ક્રેટ પ્રકારનાં નાગ અને નાગણ એકબીજામાં લપેટાઈને દીકરી સલોનીના ગળામાં હતાં. દીકરી જાગી જાય અને હલનચલન કરે તો બન્ને તેને કરડી જાય એમ હતું એટલે તેણે શાંતિ જાળવી. રવિવારની એ રાતે શું બન્યું હતું એની વાત કરતાં રાજુકુમાર કહે છે, ‘સોમવારની વહેલી સવારે સલોનીની મા ઊઠી તો તેણે જોયું કે બે ક્રેટ સાપ તેના ગળામાં વીંટળાયેલા છે. મેં પત્નીને કહ્યું કે તું દીકરીના પગ અને હાથ પકડજે જેથી તે જાગી જાય તોય છટપટે કે હલે નહીં. બીજી તરફ મેં એકસાથે બન્ને હાથમાં ક્રેટ સાપનાં મોં પકડ્યાં અને શરીરનું બધું જોર લગાવીને હથેળીમાં જ મસળી નાખ્યાં. એ જ વખતે સલોનીની આંખ ખૂલી અને એ જોઈને તે ડરી ગઈ.’
સલોની ઊંઘમાં હતી ત્યારે સાપ તેને કરડ્યો હોય એવી સંભાવના હોવાથી તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. પ્રાથમિક સારવાર પછી તેને મગધ મેડિકલ કૉલેજમાં મોકલવામાં આવી. ત્યાં તેની ગરદન પર સાપના ચાલવાથી પડેલા ઘસરકાનો ઇલાજ કરીને તેને ઘરે મોકલી દેવામાં આવી.

