આંખો પર પટ્ટી બાંધીને ૧૦૫ કિલોમીટર ચાલશે બિહારનો યુવાન, બાબા વૈદ્યનાથનાં દર્શન પછી જ આંખ ખોલશે
નયનબંધ કાવડયાત્રા
બિહારના બેગુસરાયના અમિત કુમાર નામના એક ભક્તે નયનબંધ કાવડયાત્રા શરૂ કરી છે. સુલતાનગંજથી દેવધર સુધી ૧૦૫ કિલોમીટરની યાત્રા અમિત આંખો પર પટ્ટી બાંધીને કરી રહ્યો છે. સુલતાનગંજમાં આવેલી ઉત્તરવાહિની ગંગા તટ એટલે કે અજગૈવીનાથ ધામથી દેવધરના બાબા બૈદ્યનાથ તરફ વધી રહેલા કાવડિયાઓમાં અમિત કુમાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેણે ગંગા તટ પરથી કાવડ ભરીને ચાલવાનું શરૂ કર્યું ત્યારે જ આંખે પાટા બાંધી દીધા હતા. ૧૦૫ કિલોમીટરની પદયાત્રા તેણે બંધ આંખે કરવાનું પ્રણ લીધું હોવાથી લોકોએ તેને નયનબંધ કાવડિયાનું ઉપનામ આપ્યું છે. તેણે નક્કી કર્યું છે કે દેવધર પહોંચીને બાબા બૈદ્યનાથની સામે જ પોતાની આંખની પટ્ટી ખોલશે. આંખ ખોલીને તે પહેલાં બાબાનાં દર્શન કરવા માગે છે. અમિતની સાથે બીજા લોકો પણ છે જે તેને કાવડયાત્રાના રસ્તે દોરે છે.
