બકરી ઈદ માટે 18 મહિના ઉછેરીને મોટા કરેલા 3 બકરા 22 લાખ રૂપિયામાં વેચ્યા
ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેતા અબ્દુલ કરીમ નામના એક વેપારીને બકરી ઈદ પહેલાં જ જૅકપૉટ લાગ્યો છે. અબ્દુલે રાજસ્થાનમાંથી ખરીદેલા વિદેશી નસલના ત્રણ બકરાને વેચીને બાવીસ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ બકરા કાકોરી ફાર્મમાં ઉછેરવામાં આવેલા. અબ્દુલનું કહેવું છે કે ભોપાલના એક વ્યવસાયીએ પંદર લાખ રૂપિયામાં બે અને બીજા એક ગ્રાહકે ૭ લાખમાં એક એમ ત્રણ બકરા ખરીદ્યા છે. આ નસલની બકરીઓમાં દૂધનું ઉત્પાદન ઓછું થાય છે એટલે તેમને માંસ માટે જ ઉછેરવામાં આવે છે. અઢાર મહિના પહેલાં અબ્દુલે ૩ બકરાને ૭૦,૦૦૦ રૂપિયામાં ખરીદ્યા હતા અને પછી તેમની બહુ સારી માવજત કરી હતી.
બકરાનું વજન વધે એ માટે તેમને ઘઉં, જવ, ચણા-મટર જેવી ભારે ચીજો ખાવા અપાતી. એટલું જ નહીં, પશુવિશેષજ્ઞોની મદદથી ડાયટ ચાર્ટ બનાવીને આ બકરાઓને રોજ ભોજન આપવામાં આવતું. અવારનવાર વાળનું ટ્રિમિંગ કરવાનું અને દિવસમાં એક વાર માલિશ પણ કરવામાં આવતી. માલિશ પછી આ બકરા બે કલાક ઘસઘસાટ ઊંઘી જતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: પતિને બોનેટ પર લટકાવીને લગભગ પાંચ કિલોમીટર સુધી કાર ચલાવતી રહી પત્ની
જ્યારે આ બકરાને અહીં લાવાવામાં આવ્યા ત્યારે એ માત્ર ચાર મહિનાના હતા અને વજન ૧૭-૧૮ કિલો જેટલું હતું. જોકે ખાસ્સી દેખભાળ પછી એમનું વજન ૨૧૦થી ૨૨૦ કિલોગ્રામ જેટલું થઈ ગયું છે. એક બકરો એક વારમાં પાંચ કિલોગ્રામ જેટલો ચારો ખાય છે. એ પછી ખાધેલું બરાબર પચી જાય એ માટે લિટર ટૉનિક આપવામાં આવે છે.


