ટૂરિસ્ટો માટે મોટા ભાગે ભાડાનાં ઘર પ્રોવાઇડ કરતી Airbnbનો ઉપયોગ સૌથી વધુ થાય છે. એને કારણે સ્થાનિક લોકોને રહેવા માટે બહુ ઊંચાં ભાડાં ચૂકવવાં પડે છે.
બાર્સેલોનાવાસીઓએ ટૂરિસ્ટો સામે છોડી બલમ પિચકારી
સ્પેનનું બાર્સેલોના શહેર સહેલાણીઓનાં મનગમતાં સ્થળોમાંનું એક છે. શરૂઆતમાં તો સ્થાનિક લોકોને પણ ટૂરિસ્ટો આવવાથી ગમ્યું હતું, પરંતુ અહીંના આર્કિટેક્ચરથી લઈને રળિયામણા બીચને જોવા માટે એટલાબધા સહેલાણીઓનો ધસારો થઈ રહ્યો છે કે હવે સ્થાનિક લોકોનો દમ ઘૂંટાવા લાગ્યો છે. ભલા, ટૂરિસ્ટોથી કંઈ આવું થતું હશે? તો જાણી લઈએ કે આંકડા બતાવે છે કે ગયા વર્ષે બાર્સેલોનામાં લગભગ ૨૬૧ લાખ સહેલાણીઓ આવ્યા હતા, જ્યારે બાર્સેલોનાની વસ્તી માત્ર ૧૭ લાખ જેટલી છે. ટૂરિસ્ટો માટે મોટા ભાગે ભાડાનાં ઘર પ્રોવાઇડ કરતી Airbnbનો ઉપયોગ સૌથી વધુ થાય છે. એને કારણે સ્થાનિક લોકોને રહેવા માટે બહુ ઊંચાં ભાડાં ચૂકવવાં પડે છે. રવિવારે ટૂરિસ્ટોનાં ધાડાં પર નિયંત્રણ લાવવાની માગણી સાથે કેટલાક સ્થાનિક લોકોએ રસ્તા પર પ્રતીકાત્મક આંદોલન કર્યું હતું. લોકો પાણીની પિચકારી લઈને ટૂરિસ્ટ-પ્લેસ પર તેમની ભાષાનાં સ્લોગન્સ બોલીને ટૂરિસ્ટોને પાછા જવાનું કહી રહ્યા હતા.


