તેણે કલકત્તાની બિરયાનીને સૌથી વધુ અને દિલ્હીની બિરયાનીને સૌથી ઓછું રેટિંગ આપ્યું હતું
બિરયાની
સ્વાદના શોખીનોના હૃદયમાં બિરયાની માટે વિશેષ સ્થાન હોય છે. આપણે ત્યાં હૈદરાબાદી બિરયાની, અવધી બિરયાની, કલકત્તા બિરયાની અને મુરાદાબાદી બિરયાની જેવી વિવિધ પ્રકારની બિરયાની પૉપ્યુલર છે. આ દરેક પ્રકારની બિરયાનીનો સ્વાદ અને એને બનાવવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. વિવિધ પ્રકારની આ બિરયાનીમાં સૌથી બેસ્ટ કઈ એ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ હાલમાં સોશ્યલ મીડિયા પર કરવામાં આવ્યો હતો. અર્પણ રૉય નામના ઇન્સ્ટાગ્રામ-ઇન્ફ્લુએન્સરે હાલમાં બિરયાનીઓને રેટિંગ આપ્યું હતું. તેણે કલકત્તાની બિરયાનીને સૌથી વધુ અને દિલ્હીની બિરયાનીને સૌથી ઓછું રેટિંગ આપ્યું હતું. જોકે તેની પોસ્ટ બાદ ઇન્સ્ટાગ્રામ-યુઝર્સ વચ્ચે બિરયાનીના મુદ્દે રીતસર જંગ છેડાયો હતો. ઘણા લોકોએ આ રેટિંગને માનવાનો ઇનકાર કરીને હૈદરાબાદી કે મુરાદાબાદી બિરયાનીને સૌથી બેસ્ટ ગણાવી હતી. કેટલાકે લખનઉની બિરયાનીને ૧૦માંથી ૧૦૦ માર્ક્સ આપ્યા હતા તો ઘણાએ મુઘલોના સમયથી ફેમસ અવધી બિરયાનીને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.

