રાજસ્થાનના અલવરમાં એક ટ્રક-ડ્રાઇવરે ચાલતી ટ્રકની છત પર ચડીને ડાન્સ અને દરવાજે લટકીને ખતરનાક સ્ટન્ટ કર્યા હતા. વિડિયો વાઇરલ થતાં ટ્રાફિક પોલીસે ટ્રકની નંબર-પ્લેટના આધારે ડ્રાઇવરની શોધ શરૂ કરી છે.
ભરચક રોડ પર ચાલતી ટ્રકે બહાર નીકળીને ડ્રાઇવર ડાન્સ કરવા લાગ્યો
રાજસ્થાનના અલવરમાં એક ટ્રક-ડ્રાઇવરે ચાલતી ટ્રકની બહાર નીકળીને સ્ટન્ટ કરતાં રોડ પર આવતાજતા સહુ કોઈ હેરતમાં પડી ગયા હતા. નવાઈની વાત એ હતી કે તે પોતે જ ટ્રક ચલાવી રહ્યો હતો. તેણે પહેલાં ટ્રકની સ્પીડ ધીમી પાડી અને પછી દરવાજો ખોલીને તે છત પર ચડી ગયો. ચાલતી ટ્રકની છત પર તે ડાન્સ કરવા લાગ્યો. જ્યારે આ સ્ટન્ટ ચાલી રહ્યો હતો ત્યારે રોડ પર ખાસ્સાં વાહનોની અવરજવર હતી. થોડીક ક્ષણો ડાન્સ કરીને તે પાછો નીચે ઊતરીને ખુલ્લા દરવાજામાંથી પોતાની ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો હતો. એ પછી થોડીક વાર પછી તેણે ફરી બહાર નીકળીને ટ્રકના દરવાજે લટકીને સ્ટન્ટ્સ કર્યા હતા. આ વિડિયો વાઇરલ થતાં અલવરની ટ્રાફિક પોલીસ કામે લાગી ગઈ છે. વિડિયોમાં ઝાંખી ટ્રકની નંબર-પ્લેટ દેખાય છે. એ નંબરના આધારે પોલીસ ડ્રાઇવરને શોધવાની કોશિશ કરી રહી છે.
