૨૨ જાન્યુઆરીએ દુર્લભ ગણાતાં લાંબી પૂંછડીવાળાં પાંચ બતકો જોવા મળ્યાં હતાં.
કાશ્મીરમાં જોવા મળ્યાં દુર્લભ બતક
કાશ્મીર પોતાની સુંદરતા ઉપરાંત વિવિધ જંગલી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધતા માટે વિશ્વભરમાં જાણીતું છે. એમાં રામસર સાઇટ નજીક આવેલું વુલર સરોવર એશિયાનું એક સૌથી મોટા તાજા પાણીનું સરોવર છે અને એની લંબાઈ ૨૪ કિલોમીટર અને પહોળાઈ ૧૦ કિલોમીટર છે, જે ૨૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. સરોવરની વચ્ચે ઝૈના લંક તરીકે ઓળખાતો એક નાનો ટાપુ પણ છે. રાજા ઝૈનુલ-અબીદીન દ્વારા આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન સતીસર સરોવરનો એક નાનકડો બચેલો ભાગ એટલે વુલર સરોવર. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ભેગા થાય છે.
સ્થાનિક લોકો તેમ જ પક્ષીપ્રેમીઓ બતકની નવી પ્રજાતિને જોઈને આશ્ચર્યચકિત થયા હતા. ૨૨ જાન્યુઆરીએ દુર્લભ ગણાતાં લાંબી પૂંછડીવાળાં પાંચ બતકો જોવા મળ્યાં હતાં. ૮૪ વર્ષ બાદ આ પક્ષી અહીં જોવા મળ્યાં હતાં. ૧૯૩૯માં એફ લુડલો દ્વારા છેલ્લે આ બતક અહીં જોવા મળ્યાં હોવાની નોંધ મળે છે. વુલર કન્ઝર્વેશન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીના કર્મચારી શૌકત અહમદે આ બતકનો ફોટો પાડ્યો હતો. ત્યાર બાદ પક્ષીપ્રેમીઓ આ સમાચાર જાણીને ખુશ થઈ ગયા હતા. એના ત્રણ દિવસ બાદ અન્ય એક સ્મીવ નામના દુર્લભ બતકની પ્રજાતિ દેખાઈ છે. આ બતકની આ પ્રજાતિ અહીં ૧૧૬ વર્ષ બાદ જોવા મળી હતી.


