વૈજ્ઞાનિકોએ એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેનારા ૫૦૦ લોકો પર સ્ટડી કરીને આ તારણ કાઢ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
આ કોઈ મનઘડંત કહાણી નથી, નેધરલૅન્ડ્સના સાયન્ટિસ્ટોએ કરેલા અભ્યાસનું તારણ છે. વૈજ્ઞાનિકોએ એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેનારા ૫૦૦ લોકો પર સ્ટડી કરીને આ તારણ કાઢ્યું હતું. અભ્યાસકર્તાઓએ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા લોકોને વારાફરતી કાચની એક બરણીમાં ભરી રાખેલા મચ્છરોની અંદર હાથ નખાવ્યો હતો. દરેક વખતે તેમનો હાથ અંદર જાય એ પછી કેટલા મચ્છરો તેમને ડંખે છે એ કૅમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. દરેકની ખાણી-પીણીની આદતો સાથે મચ્છરોના ડંખની સંખ્યા અને સંભાવનાઓનો રેશિયો માંડીને નિષ્ણાતો એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે જે લોકોએ દારૂ પીધો હતો તેમને ૩૪ ટકા વધુ મચ્છર કરડ્યા હતા. જે લોકો નાહ્યા નહોતા કે સનસ્ક્રીન લગાવીને નહોતા ફર્યા કે પછી આગલી રાતે જાતીય સંબંધો બાંધ્યા હતા એવા લોકોને પણ મચ્છર સામાન્ય લોકો કરતાં વધુ કરડ્યા હતા. દારૂ શરીરમાં હોય ત્યારે સૌથી વધુ મચ્છરો કરડે છે.


