આજની તારીખે પણ આવાં પ્રેમીઓ હોય છે, જે વય વીતી જવા છતાં પોતાનો પહેલો પ્રેમ ભૂલતાં નથી. બ્રિટનના ૧૯ વર્ષના લેન ઓલિબ્રંગ્ટને ૧૯૬૩માં તેની બાળપણની પ્રેમિકા ૧૮ વર્ષની જેનેટ સ્ટીર સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

લિટરલી એક દૂજે કે લિએ, ૬૦ વર્ષે હૅપી એન્ડિંગ થયો
રૉમિયો જુલિયટની સ્ટોરી તો બધાએ સાંભળી હશે, પણ આજની તારીખે પણ આવાં પ્રેમીઓ હોય છે, જે વય વીતી જવા છતાં પોતાનો પહેલો પ્રેમ ભૂલતાં નથી. બ્રિટનના ૧૯ વર્ષના લેન ઓલિબ્રંગ્ટને ૧૯૬૩માં તેની બાળપણની પ્રેમિકા ૧૮ વર્ષની જેનેટ સ્ટીર સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રેમી પંખીડાંઓએ ઑસ્ટ્રેલિયામાં પોતાના સપનાની દુનિયા વસાવવાનો નિર્ણય કર્યો હતો. લેન પોતાની નવી જિંદગી શરૂ કરવા ઑસ્ટ્રેલિયા પહોંચ્યો અને જેનેટની રાહ જોવા લાગ્યો, પરંતુ જેનેટના પરિવારજનોએ તેમનો સંબંધ માન્ય ન રાખતાં પ્રેમી પંખીડાં અલગ થઈ ગયાં. માતાપિતાની ઇચ્છાને માન આપીને લેન અને જેનેટ પોતપોતાના જીવનમાં આગળ વધ્યાં અને લેન ઑસ્ટ્રેલિયન મહિલાને પરણીને ત્રણ બાળકોનો પિતા બન્યો, જ્યારે જેનેટે બ્રિટનમાં જ લગ્ન કર્યાં અને બે બાળકોની માતા બની.
લેને ૨૦૧૫માં પત્ની સાથે છૂટાછેડા લીધા ત્યારે તેના મનમાં પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડને શોધવાની લગની લાગી હતી. મતદારોની યાદીમાંથી જેનેટને શોધીને લેન તેના ઘરની આસપાસ ફરવા લાગ્યો. જોકે એ વખતે તેનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું, પણ બે વર્ષ પછી જ્યારે કૅન્સરથી તેનો પતિ મૃત્યુ પામ્યો ત્યારે તેણે જેનેટ સમક્ષ ફરી પોતાની લાગણી વ્યક્ત કરી. આશ્ચર્યની વાત એ છે કે જેનેટે હજી પણ લેને ૧૮ વર્ષની વયે આપેલી વીંટી સાચવી રાખી હતી. ટીનેજમાં ન પરણી શકેલાં આ પ્રેમી પંખીડાં ૭૯ અને ૭૮ વર્ષની વયે ફરી લગ્નગાંઠે બંધાઈ ગયાં.