અમેરિકાના કૅલિફૉર્નિયામાં રિફ્લેક્ટ ઑર્બિટલ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના કૅલિફૉર્નિયામાં રિફ્લેક્ટ ઑર્બિટલ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ થયું છે. આ કંપની અંતરીક્ષમાં હજારોની સંખ્યામાં ચોક્કસ જગ્યાએ ખાસ અરીસા ગોઠવી રહી છે. આ અરીસાની મદદથી સૂર્યનાં કિરણોનું પરાવર્તન કરીને પૃથ્વી પર પડે એવી ગોઠવણ કરવામાં આવશે. સૂરજનાં કિરણો પૃથ્વીનાં જે ભાગમાં સીધાં નથી પડતાં ત્યાં એ સમયે અંધારું એટલે કે રાતનો સમય હોય છે. જો રાતે પણ સૂર્યનાં કિરણોને પૃથ્વીના ચોક્કસ એરિયામાં પરાવર્તિત કરવાં હોય તો આ કંપનીએ ગોઠવેલા અરીસાથી એ શક્ય બનશે. આટલી જહેમત ઉઠાવીને કરવાના પ્રોજેક્ટ પાછળનો હેતુ એ છે કે રાતના સમયે પણ સૂર્યનાં કિરણોમાંથી વીજળી પેદા કરી શકાય. જે વિસ્તારોમાં સૂર્યનાં કિરણો બહુ ઓછો સમય માટે આવે છે ત્યાં પણ સૂર્યનાં કિરણોમાંથી સોલર એજર્ની જનરેટ કરી શકાય. આ કંપની ૨૦૩૦ સુધીમાં અંતરીક્ષના ચોક્કસ ભાગોમાં હજારો સૅટેલાઇટ્સની મદદથી અરીસાઓ ગોઠવવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પ્રયોગ જેટલો ફાયદાકારક દેખાય છે એટલું જ એનું નુકસાન થવાની સંભાવના પણ છે. અરીસાથી પડતું અજવાળું પૂનમના ચંદ્ર કરતાં ચારગણું અજવાળું પાથરી શકે છે. એને કારણે તારા જોવા મળવાનું લગભગ અશક્ય થઈ જશે. જીવોની રાત-દિવસનું ચક્ર પણ ખોરંભે ચડી જાય એવું શક્ય છે.


