અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગયા રવિવારે પરણેલા નવદંપતીની કુલ વય ૨૦૨ વર્ષ છે
૧૦૨ વર્ષનાં મરજૉરી ફિટરમેન અને ૧૦૦ વર્ષના બર્ની લિટમેન
લગ્ન કરવા માટે ઓછામાં ઓછી વય નક્કી છે, પણ વધુમાં વધુ કઈ ઉંમર સુધી લગ્ન કરી શકાય એ નક્કી કરાયું નથી, કારણ કે પ્રેમ ઉંમરના કોઈ પણ પડાવ પર થઈ શકે છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગયા રવિવારે પરણેલા નવદંપતીની કુલ વય ૨૦૨ વર્ષ છે. ૧૦૨ વર્ષનાં મરજૉરી ફિટરમેન અને ૧૦૦ વર્ષના બર્ની લિટમેને પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્ન કર્યાં છે. બન્ને સિનિયર સિટિઝન માટેના ક્વૉર્ટરમાં અલગ-અલગ ફ્લોર પર રહેતાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ થયો અને છેવટે તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે મરજૉરી અને બર્ની બન્નેનું તેમના ભૂતપૂર્વ જીવનસાથી સાથેનું લગ્નજીવન ૬૦ વર્ષ કરતાં વધારેનું હતું. બર્ની લીટમૅનનું ભૂતપૂર્વ સ્વર્ગીય પત્ની બર્નેસ સાથેનું લગ્નજીવન ૬૫ વર્ષ ચાલ્યું હતું. બન્નેનાં સંતાનો અને પૌત્ર-પ્રપૌત્રોની સંખ્યા ૧૫ છે. એક કૉસ્ચ્યુમ પાર્ટીમાં મુલાકાત બાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો.