લેસ્લી તેમના ૬૪ વર્ષના પુત્ર રૉડ અને ૨૧ વર્ષની પ્રપૌત્રી ઑલિવિયા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા

લેસ્લી
ન્યુ ઝીલૅન્ડના લેસ્લી હૅરિસ પ્રેરણાદાયી છે. આ વર્ષની શરૂઆતમાં જ ઑકલૅન્ડમાં ૪૩મી ક્લાસિક મોટરસાઇકલ ફેસ્ટિવલમાં ભાગ લેનાર આ ૯૭ વર્ષના વ્યક્તિ ‘વિશ્વના સૌથી વૃદ્ધ મોટરસાઇકલ રેસર’ બન્યા છે. લેસ્લી તેમના ૬૪ વર્ષના પુત્ર રૉડ અને ૨૧ વર્ષની પ્રપૌત્રી ઑલિવિયા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. તેઓ બધાં આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે, જેમાં સમયસર લેપ પૂરો કરવાનો હોય છે. લેસ્લીના પુત્રએ કહ્યું કે ‘કોઈ પણ મોટરસ્પોર્ટમાં લેપ સમય ધ્યાનમાં રાખવો મહત્ત્વની બાબત છે, જે તમામ સ્પર્ધકોને ઈંધણ અને વાહન પર કન્ટ્રોલ રાખવા પર ધ્યાન માગી લે છે. આ એ કૌશલ્ય છે જે મૉડર્ન ટાઇમિંગ મશીન વિના માસ્ટર બનતાં વર્ષો માગી લે છે.
લેસ્લી ૨૦૧૯માં ૯૩ વર્ષની ઉંમરે છેલ્લી સ્પર્ધા જીત્યા હતા, જેનાથી તેમને વધુ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા મળી હતી. ત્યાર બાદ તેમણે ૨૦૨૦માં પોતાનું ટાઇટલ બચાવવા ક્લાસિક ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. જોકે કોઈક રીતે તેઓ ઈજાગ્રસ્ત થયા અને સ્પર્ધા પૂરી કરી શક્યા નહોતા. પહાડ પર ચલાવતી વખતે તેઓ બાઇક સાથે સ્લિપ થયા અને ગબડવા માંડ્યા એને પરિણામે તેમની ૬ પાંસળી ભાંગી ગઈ હતી. જોકે તેમની કોઈ પણ પર્મનન્ટ ડૅમેજ વિના જ રિકવરી થઈ ગઈ હતી. ત્યાર બાદ કોરોનાને કારણે બે વર્ષ સુધી કોઈ સ્પર્ધા યોજાઈ નહોતી એટલે ૨૦૨૩ના ફેસ્ટિવલની સ્પર્ધા લેસ્લી માટે ખાસ હતી. તેમણે ઘણા સમય પછી રેસમાં ભાગ લીધો અને પ્રથમ વખત તેમના પરિવારના લોકો પણ સ્પર્ધામાં હતા. ઉપરાંત આ ઐતિહાસિક ટ્રેક પર આ છેલ્લી સ્પર્ધા છે, કારણ કે એ વેચાઈ ગયો છે. એના પુત્રએ જણાવ્યા અનુસાર લેસ્લી માટે આ સ્પર્ધા જીતવી ખૂબ મહત્ત્વનું છે. તેઓ અગાઉ પણ રેસ જીત્યા છે.