ચીનમાં ૮૭ વર્ષના ફેન જેન્ગ નામના પેઇન્ટરે તેમની ચોથી પત્નીથી દીકરો મેળવ્યો હોવાની જાહેરાત કરી હતી
ફેન જેન્ગ
ચીનમાં ૮૭ વર્ષના ફેન જેન્ગ નામના પેઇન્ટરે તેમની ચોથી પત્નીથી દીકરો મેળવ્યો હોવાની જાહેરાત કરી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ તેમનો એકમાત્ર બાયોલૉજિકલ દીકરો છે. પેઇન્ટરભાઈનાં ચોથી વારનાં લગ્ન જૂ નામની ૩૭ વર્ષની યુવતી સાથે થયાં હતાં. આ પહેલાં તેમને બીજાં લગ્નથી એક દીકરી હતી અને ત્રીજાં લગ્નથી સાવકા બે સંતાનો હતાં. કન્ટેમ્પરરી ચીની આર્ટમાં મોટું યોગદાન આપનારા ૮૭ વર્ષના ફેન જેન્ગને તેમના આર્ટવર્કથી ૨૦૦૮થી ૨૦૨૪ની વચ્ચે ૪ બિલ્યન યુઆન એટલે કે લગભગ ૫૧૨૭ કરોડ રૂપિયા મળ્યા હતા. તેઓ એક જાણીતા કૅલિગ્રાફર પણ છે અને તેમની કૅલિગ્રાફીની કિંમત લગભગ પચીસ લાખ રૂપિયા ૦.૧૧ સ્ક્વેર મીટરની છે. આજે પણ તેમના કામની જબરી ડિમાન્ડ છે.
ફેન જેન્ગ નામના આ ભાઈએ તેમનાથી ૫૦ વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યાં છે, જે પહેલાં તેમની પ્રેઝન્ટર હતી. એ પછી તેણે પર્સનલ અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું અને પછી બન્નેએ લગ્ન કરી લીધાં. ગયા અઠવાડિયે તેમનાં ચોથાં લગ્નથી ઘરમાં સંતાન જન્મ્યું છે અને એની સાથે જ તેમણે પોતાના જૂના પરિવાર અને સંતાનોથી છેડો ફાડી નાખ્યો છે. ૮૭ વર્ષના આ દાદાએ બીજાં સંતાનો સાથે સંબંધ તોડીને દીકરા તરીકેના તમામ અધિકારો આ નવા બાળક અને ચોથી પત્નીને આપી દીધા છે. જોકે તેમની દીકરીનો આરોપ છે કે ચોથી પત્ની તેના પિતાને કન્ટ્રોલ કરે છે અને તેણે તેમનાં ચિત્રોમાંથી મળેલા ૨૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરી નાખ્યો છે.


