નૅશનલ પાર્કની નજીકના ગામમાં રહેતો ટિનોટેન્ડા પુન્ડુ નામનો આઠ વર્ષનો છોકરો રમતાં-રમતાં ભૂલથી આ અભયારણ્યમાં ઘૂસી ગયો.
ટિનોટેન્ડા પુન્ડુ
ઝિમ્બાબ્વેનો માટુસાડોના નૅશનલ પાર્ક ૪૦થી વધુ સિંહ, હાથી, દીપડા અને જંગલી ભેંસો માટે જાણીતો છે. આ નૅશનલ પાર્કની નજીકના ગામમાં રહેતો ટિનોટેન્ડા પુન્ડુ નામનો આઠ વર્ષનો છોકરો રમતાં-રમતાં ભૂલથી આ અભયારણ્યમાં ઘૂસી ગયો. અંદર ઘૂસી ગયા પછી તેને બહાર આવવાનો રસ્તો પણ મળ્યો નહીં. બીજી તરફ અંદર જંગલી પ્રાણીઓનું સામ્રાજ્ય હતું એટલે તેના બચવાની આશા બહુ જ પાંખી રહી ગઈ. પરિવારજનોને જેવી ખબર પડી કે તેમનો ટપુડો ગાયબ છે અને છેલ્લે તેને જ્યાં ભટકતો જોયેલો એ જગ્યા નૅશનલ પાર્કની પાસેની હતી એટલે ટુકડીઓ બનાવીને છોકરાને શોધવા માટે બધા લાગી પડ્યા. પાર્કની બહારની તરફ કેટલાક લોકો જોર-જોરથી ઢોલ જેવું સ્થાનિક વાદ્ય વગાડતા રહ્યા જેથી એના અવાજથી કદાચ બાળક આ તરફ દોડી આવે. જંગલમાં ૪૦થી વધુ સિંહો છે. હાથીઓ, દીપડા અને જંગલી ભેંસોની વસ્તી અલગ. જોકે કુદરતી આપદાના આ સમયમાં આઠ વર્ષના ટપુડાએ પોતાની ઉંમર કરતાં અનેકગણી વધુ મૅચ્યોરિટી દાખવી. નદીના કિનારે લાકડી ખોદીને ખાડો કરીને એમાં પાણી ગાળીને તે પીતો રહ્યો. ભૂખ લાગે ત્યારે જંગલમાં મળતાં જંગલી ફળો ખાધાં અને પથ્થર પર જ ખુલ્લામાં સૂતો રહ્યો. ૨૭ ડિસેમ્બરે ખોવાયેલો છોકરો પાંચ દિવસ પછી જ્યારે ફૉરેસ્ટ-ઑફિસરોને એ પાર્કમાં આવેલી નદીના કિનારે મળી આવ્યો ત્યારે તે ખાધાપીધા વિના કૃશ થઈ ગયેલો હતો. જોકે સિંહોથી ભરેલા આ જંગલમાં છોકરો કઈ રીતે સર્વાઇવ થયો એ ચમત્કારથી કમ નથી.

