ચીનના અંકલ ચેન નામે જાણીતા રનર સિગારેટ પીતાં-પીતાં દોડે છે
અંકલ ચેન
મૅરથૉન દોડનારાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા સજાગ હોય છે એવું માનવામાં આવે છે, પરંતુ ચીનના અંકલ ચેન નામે જાણીતા રનર સિગારેટ પીતાં-પીતાં દોડે છે. ૫૦ વર્ષના ચેને ચીનના જિયાન્ડેમાં આયોજિત ૪૨ કિલોમીટરની ઝિનઆનજિયાંગ મૅરથૉન સિગારેટ પીતાં-પીતાં પૂર્ણ કરી હતી. ગુઆંગઝુમાં રહેતા આ ચેઇન સ્મોકર વ્યક્તિના ફોટો ચીનના સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. તેણે ત્રણ કલાક ૨૮.૪૫ મિનિટનો સમય લીધો હતો અને ૧૫૦૦ દોડવીરોમાં તે ૫૭૪મા સ્થાને હતો. અંકલ ચેન ૨૦૧૮માં ગુઆંગઝુ મૅરથૉન અને ૨૦૧૯માં ઝિયામેન મૅરથૉન પણ દોડ્યો હતો. ૨૦૧૮માં તેણે ૩.૩૬ કલાકનો અને ૨૦૧૯માં ૩.૩૨ કલાકનો સમય લીધો હતો. ઍથ્લીટ વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી છે. કેટલાક તેની ક્ષમતાને સલામ કરે છે, તો કેટલાકના મતે એ ખરાબ ઉદાહરણરૂપ બન્યો છે. હાલ મૅરથૉન દોડવીરો સ્પર્ધા દરમ્યાન સિગારેટ ન પી શકે એવા કોઈ નિયમ નથી.


