આ બીમારીમાં હૃદયમાં લોહીના ભરાવાની પ્રક્રિયા તેમ જ હૃદયના સંકોચનની પ્રક્રિયા ઘણી ધીમી ગતિએ થાય છે અને એને પરિણામે શરીરના ભાગોમાં લોહી પહોંચવાની ગતિ મંદ પડી જાય છે.

જેનિફર સટન
વેસ્ટર્ન સાઉથ ઈસ્ટ ઇંગ્લૅન્ડના હૅમ્પશરમાં રહેતી ૩૮ વર્ષની જેનિફર સટનને રિસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી નામની બીમારીનું નિદાન થયું હતું. આ બીમારીમાં હૃદયમાં લોહીના ભરાવાની પ્રક્રિયા તેમ જ હૃદયના સંકોચનની પ્રક્રિયા ઘણી ધીમી ગતિએ થાય છે અને એને પરિણામે શરીરના ભાગોમાં લોહી પહોંચવાની ગતિ મંદ પડી જાય છે. આ બીમારીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવી આવશ્યક હોય છે. તાજેતરમાં તેને લંડનના હન્ટેરિયન મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે પ્રદર્શન માટે મૂકવામાં આવેલું પોતાનું હૃદય જોવાની તક સાંપડી હતી. જેનિફરે કહ્યું કે જો ૧૬ વર્ષ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી ન હોત તો આજે મને મારા શરીરમાંથી કાઢેલું હૃદય જોવાની તક ન મળી હોત.
રિસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથીનું નિદાન થયા બાદ તેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટેની યાદીમાં મૂકવામાં આવી હતી અને એ દરમ્યાન તેની તબિયત વધુ કથળી હતી. સદ્ભાગ્યે ૨૦૦૭માં જ્યારે તે ૨૨ વર્ષની હતી ત્યારે તેને ટ્રાન્સપ્લાન્ટ માટે હૃદય મળી ગયું હતું. મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મૂકેલા પોતાના હૃદયને જોઈને તે ભાવવિભોર બની ગઈ હતી અને એ પછી જેનિફરે તેના જીવનમાં પણ અંગદાનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. પોતાને હૃદયનું દાન આપનારનો આભાર માનતાં તેણે કહ્યું કે તમારા વિના મને ૧૬ વર્ષ બાદ મારું પોતાનું હૃદય જોવા ન મળત.