આ રિસેપ્શનમાં તેણે આવનારા તમામ મહેમાનોને ફૂલ, ફૂલના બુકે અને ડ્રાયફ્રૂટ્સ નહીં લાવવા વિનંતી કરી હતી
તેજસ્વી સૂર્યાએ ૬ માર્ચે લોકપ્રિય ગાયિકા શિવશ્રી સ્કંદપ્રસાદ સાથે લગ્ન કર્યાં હતાં
ભારતીય જનતા પાર્ટી (BJP)ના યુવા સંસદસભ્ય ૩૪ વર્ષના તેજસ્વી સૂર્યાએ ૬ માર્ચે લોકપ્રિય ગાયિકા શિવશ્રી સ્કંદપ્રસાદ સાથે લગ્ન કર્યાં હતાં અને ગઈ કાલે સવારે બૅન્ગલોરના પરેડ ગ્રાઉન્ડમાં એનું રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં તેણે આવનારા તમામ મહેમાનોને ફૂલ, ફૂલના બુકે અને ડ્રાયફ્રૂટ્સ નહીં લાવવા વિનંતી કરી હતી અને આ મુદ્દે બે મિનિટનો કન્નડ ભાષામાં રેકૉર્ડ કરેલો સંદેશ પણ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
આ સંદેશમાં તેણે કહ્યું હતું કે ભારતમાં દર વર્ષે એક કરોડથી વધારે લગ્નો થાય છે. લગ્નમાં ૮૫ ટકા ફૂલ અને પુષ્પગુચ્છ ૨૪ કલાકમાં ફેંકી દેવામાં આવે છે તેમ જ દર વર્ષે લગ્નોમાં ત્રણ લાખ કિલો ડ્રાયફ્રૂટ્સ ફેંકી દેવામાં આવે છે. આમ આ પ્રકારે ફૂલો અને ડ્રાયફ્રૂટ્સના બદલામાં શક્ય થાય એવી ચૅરિટીનું મૂલ્ય ૩૧૫ કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
કોણ છે શિવશ્રી સ્કંદપ્રસાદ?
શિવશ્રી સ્કંદપ્રસાદ બાયો એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ છે અને તેણે ચેન્નઈ યુનિવર્સિટીમાંથી ભરતનાટ્યમમાં માસ્ટર ઑફ આર્ટ્સ (MA) અને મદ્રાસ સંસ્કૃત કૉલેજમાંથી સંસ્કૃતમાં MA કર્યું છે. તે સારી સિંગર છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં તેમની યુટ્યુબ ચૅનલ પર શૅર કરવામાં આવેલા કન્નડ ગીત ‘પૂજીસલેંડે હુગલા થંડે’ની પ્રશંસા કરી હતી. શિવશ્રીના યુટ્યુબ પર બે લાખ સબસ્ક્રાઇબર્સ છે. તેણે કન્નડ ભાષામાં ‘પોન્નિયિન સેલ્વન : પાર્ટ-2’માં ‘વીરા રાજા વીરા’ ગીત ગાયું હતું અને આ ગીત લોકપ્રિય બન્યું હતું.

